પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય અર્થતંત્ર કોરોનાની ગંભીર અસરનો સામનો કરી રહ્યું હોવા છતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ઉત્સાહ ધરાવી રહ્યા છે. ડેલોઈટ દ્વારા વૈશ્વિક સ્તરના ૧૨૦૦ બિઝનેસ લીડર્સના હાથ ધરાયેલા સર્વમાંથી ૪૪ ટકાએ ભારતમાં વધુ રોકાણ કરવા અથવા પ્રથમ વખત રોકાણ કરવાની પોતાની યોજના હોવાનું જણાવ્યું હતું.

ભારત વિશે વૈશ્વિક રોકાણકારોની કેવી માન્યતા છે તેનો અંદાજ મેળવવા આ સર્વે હાથ ધરાયો હતો. પ્રથમ વખત થનારા ઈન્વેસ્ટમેન્ટમાંથી અંદાજે ૬૫ ટકા ઈન્વેસ્ટમેન્ટ આગામી બે વર્ષમાં જોવા મળવાની અપેક્ષા છે. ભારતમાં વેપાર સંબંધિત માન્યતાઓ સિંગાપુર તથા જાપાનની સરખામણીએ અમેરિકા તથા યુકેમાં સારી છે. વર્તમાન વર્ષમાં જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર એકદમ જ વકરેલી હતી ત્યારે આ સર્વે હાથ ધરાયો હતો. મોટી માત્રાના વેપાર ગૃહોએ ભારતના ટૂંકા તથા લાંબા ગાળાના વેપાર ભાવિ અંગે વિશ્વાસ વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ભારતીય કંપનીઓએ ઓગસ્ટમાં 8.4 બિલિયન ડોલરના 219 સોદા કર્યા. ભારતીય કંપનીઓ દ્વારા ઓગસ્ટ મહિનામા ૮.૪ બિલિયન ડોલરની મૂલ્યના મર્જર અને એક્વિઝિશનના કુલ ૨૧૯ સોદા કરવામાં આવ્યા હતા, જે પ્રોત્સાહક કામગીરી દર્શાવે છે. કન્સલ્ટન્ટ કંપની ગ્રાન્ટ થોર્નટન ઇન્ડિયાએ કહ્યું કે, ઓગસ્ટ મહિના દરમિયાન કુલ ૨૧૯ સોદા થયા હતા, જે વર્ષ ૨૦૦૫ની સૌથી ઉંચી માસિક ડીલ છે અને ઓગસ્ટ ૨૦૨૦ની તુલનાએ બમણો આંકડો છે.

જુલાઇ ૨૦૨૧ની તુલના કરીયે તો તેમાં મિશ્ર વલણ જોવા મળ્યુ છે. જુલાઇની તુલનામાં ઓગસ્ટ દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા સોદાની સંખ્યા ૨૧ ટકા વધી છે પરંતુ મૂલ્યની રીતે તેમાં ૩૬ ટકાનો ઘટાડો આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ દરમિયાન મર્જર અને એક્વિઝિશનની કામગીરી છ ગણી ઘટી ગઇ છે, જેનાથી લીધે ભારતીય કંપનીઓના સોદા વેલ્યૂની રીતે ઘટયા છે. ઓગસ્ટ ૨૦૨૧માં ૮૬.૭ કરોડ ડોલરની મૂલ્યના ૩૭ મર્જર – એક્વિઝિશન સોદા થયા છે જ્યારે વર્ષ ૨૦૨૦માં ૯૦.૮ બિલિયન ડોલરની ૩૦ ડીલ થઇ હતી.ઓગસ્ટમાં મોટાભાગના સોદા પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફર્મ્સ દ્વારા કરાયા છે, જેમણે ૧૮૨ સોદા હેઠળ ભારતીય કંપનીઓમાં ૭.૬ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યુ છે. પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલે ભારતીય કંપનીઓ અને યુનિકોર્નમાં મુખ્યત્વે મોટા મૂલ્યનું રોકાણ કર્યુ છે.