પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીને કારણે શેરબજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ હતી અને તેનાથી સેફ હેવન ગણાતા સોનાના ભાવમાં આઠ વર્ષ બાદ અભૂતપૂર્વ તેજી આવી હતી.

સોનામા તેજીના લીધે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં જંગી નવુ મૂડીરોકાણ આવ્યું હતું. જોકે સોનામાં વિક્રમ ઉંચા સ્તરેથી ભાવમાં ઘટાડો આવ્યો છે. જેના લીધે ગોલ્ડ ETFમાં સાત મહિનામાં પ્રથમવાર નવેમ્બર મહિનામાં નેટ ઇનફ્લો જોવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ ગોલ્ડ ETFના રોકાણકારો દ્વારા નફાવસૂલી છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (AMFI)ના આંકડા મુજબ નવેમ્બર મહિનામાં ગોલ્ડ ETFમાંથી રૂ. 141 કરોડ નેટ આઉટફ્લો નોંધાયો છે. આની સામે અગાઉના એપ્રિલથી ઓક્ટોબર સુધીના સળંગ સાત મહિના દરમિયાન ગોલ્ડ ETFમાં સતત નવુ મૂડીરોકાણ આવ્યુ હતુ. જુલાઇ મહિનામાં ગોલ્ડ ETFમાં સૌથી વધુ 921 કરોડ રૂપિયાનો નવો મૂડીપ્રવાહ નોંધાયો હતો અને ત્યારબાદ ઓગસ્ટમાં સોનું તેની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ સતત ઘટી રહ્યુ છે. રોકાણકારોએ ગોલ્ડ ETFમાંથી રોકાણ પાછું ખેંચતા ગોલ્ડ ETF સેગમેન્ટની કુલ ચોખ્ખી એસેટ નવેમ્બરમાં ઘટીને 13,240 કરોડ રૂપિયા થઇ છે. જે ઓક્ટોબરની તુલનાએ કુલ AUMમાં 700 કરોડ રૂપિયા ઓછી છે. ગોલ્ડ ETFની સરેરાશ AUM રૂ.13,860 કરોડથી ઘટીને રૂ.13,788 કરોડ નોંધાઇ હતી.