સુરત એરપોર્ટ ઉપર દાણચોરીનું સોનું પકડવા જતાં કસ્ટમ અને ડીઆરઆઈ(ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ને કરોડો રૂપિયાના હીરા પકડવામાં સફળતા મળી હતી. 300 ગ્રામ સોનુ લઈને જતા શખ્સની તપાસ કરાતી હતી ત્યારે અન્ય એક વ્યક્તિની શંકાના આધારે ઝડતી લેતા આ હીરાનો મોટો જથ્થો મળ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર સોનાનો જથ્થો લઈને શારજાહથી એક પેસેન્જર આવી રહ્યો છે, તેવી બાતમી કસ્ટમ અને ડીઆરઆઇને (DRI) વિભાગને મળી હતી. બંને વિભાગના અધિકારીઓ એરપોર્ટ પર તપાસ કરી રહ્યાં હતા. સોનું લઈને આવેલા પેસેન્જરની તપાસ કરતા હતા ત્યારે સાથે 6.50 કરોડ રૂપિયાના હીરા લઇને શારજાહ જતો પેસેન્જર પણ યોગાનુયોગ ઝડપાયો હતો.
સુરત એરપોર્ટ ઉપરથી એરઇન્ડિયા એક્સપ્રેસની શારજાહની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ છે. કસ્ટમને સુરત એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ થયું ત્યારથી એરપોર્ટ પરથી અવાર-નવાર પેસેન્જર સોનું લઈને આવતા પકડાઈ રહ્યા છે. શારજાહથી આવેલા એક પેસેન્જરે સરકારે નક્કી કરેલી મર્યાદાથી વધુ સોનાના ઘરેણાં પહેર્યા હતાં. તેણે 15 લાખથી વધુની કિંમતના થતા આ ઘરેણાને ટાંચમાં લેવાની કાર્યવાહી કરાતી હતી ત્યારે આજ ફ્લાઈટમાં પરત શારજાહ જનારા પેસેન્જર પૈકી એક પેસેન્જર પર અધિકારીઓને શંકા ગઈ હતી. તેની બેગ ચેક કરતા તેમાંથી 2700 કેરેટ હીરા મળી આવ્યા હતા. જેમની કિંમત 6.50 કરોડ રૂપિયા થાય છે.