કોરોના મહામારી વચ્ચે સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળો અને નીચી માગને કારણે વર્ષ 2020માં ગુજરાતમાં સોનાની આયાત તીવ્ર ઘટીને ચાર વર્ષના નીચા સ્તરે ગઈ હતી. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 2020માં માત્ર 18.8 ટન સોનાની આયાત થઈ હતી.

છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2017માં ગુજરાતમાં 85.54 ટન, 2018માં 56.3 અને 2019માં 41.7 ટન સોનાની આયાત થઈ હતી.

ભારતમાં આયાત ઘટીને 11 વર્ષના તળિયે

વર્ષ 2020માં ભારતમાં પણ સોનાની આયાત ઘટીને 11 વર્ષના તળિયે રહી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવ નોંધપાત્ર વધતા નાના ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે. વિશ્વમાં ચીન બાદ ભારત સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2020માં ભારતમાં સોનાની આયાત ઘટીને 275.5 ટન થઈ હતી, જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ વર્ષ 2009 પછીની સૌથી ઓછી આયાત છે. ભારતમાં સતત બીજા વર્ષે સોનાની માંગ ઘટી છે. ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચતા સોનાની ખરીદી મુશ્કેલ બની ગઇ છે.

કોરોના વાયરસના પ્રકોપને રોકવા લાગુ કરાયેલા લોકડાઉનથી અર્થતંત્ર અને લોકોની અવરજવર પ્રભાવિત થઇ હહતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધના લીધે પણ આયાત પ્રભાવિત થઇ છે. ભારત મોટાભાગની સોનાની માંગ આયાત મારફતે સંતોષે છે. વર્ષ 2020 દરમિયાન ભારતમાં સોનાના ભાવ 28 ટકા અને ચાંદીના ભાવ 42 ટકા વધ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનું રૂ.65,000 રૂપિયાની ટોચે પહોંચવાની શક્યતા છે.