અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગથ માધવસિંહ સોલંકીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સેવાદળના સભ્યોએ શ્રદ્ધાંજલી આપી હતી. (PTI Photo)

કોંગ્રેસના વયોવૃદ્ધ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના રવિવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અમદાવાદ વીએસ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 94 વર્ષની વયે શનિવારે તેમનું અવસાન થયું હતું.

માધવસિંહ સોલંકીના પુત્ર કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તે પરત ફર્યા બાદ રવિવારે બપોરે પાંચ કલાકે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમ વિદાય પહેલા માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રવિવારે અમદાવાદ પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી.

માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો અને તેઓ ચાર વખત (1973, 1975, 1982 અને 1985) ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં હતા. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સૌથી લાંબો સમય સુધી મુખ્યપ્રધાન પદે રહ્યા હતા. તેઓ ખામ થિયરી (KHAM) માટે જાણીતા થયા હતા અને વર્ષ 1985માં આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી વધુ બેઠકો છે.