ભારત સોનાના વપરાશ કાર દેશોમાં ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં સોનામાં રોકાણનો દર ઊંચો છે. 2019માં સોનાની કિંમત સતત વધવાથી તેના ભાવ આસમાને પોહંચ્યા હતા. પરિણામે દેશમાં સોનાની માગમાં ઘટાડો નોંધાયો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે. 2019ના કેલેન્ડર વર્ષમાં ભારતમાં સોનાની માગ નવ ટકા ઘટીને 690.4 ટન રહી હતી.

જો કે સોના પ્રત્યે ભારતીયોની ચાહના ઓછી થવાના કોઈ જ અણસાર જણાતા નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 2020ના અંદાજ મુજબ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સોનાના વપાશકાર દેશ ભારતમાં સોનાની માગ 700-800 ટન રહેશે. આર્થિક સુધારણાને પગલે અર્થતંત્રને વેગ મળવાથી રોકાણકારોનો સોનામાં રોકાણ માટેનો વિશ્વાસ મજબૂત બનશે.

2019માં સોનાના ભાવ તોલાદીઠ (પ્રતિ દસ ગ્રામ) રૂ.39,000ની સપાટી ઉપર જ રહ્યા હતા જે અગાઉના વર્ષની તુલનાએ 24 ટકા વધુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતીય કામકાજના મેનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમ પીઆરના મતે, ‘સરકાર નીતિગત નિર્ણયોની જાહેરાત કરશે, વ્યાપક આર્થિક વિકાસને વેગ મળશે અને તેને પગલે ઊંચા ભાવ છતા સોનામાં રોકાણ માટે લોકો આકર્ષાશે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતમાં સોનાની માગ 800 ટન સુધીની રહી શકે છે. ભારતની સરેરાશ વાર્ષિક સોનાની માગ 850 ટન આસપાસની છે.’