પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે અનિશ્ચિતતાના સમયગાલામાં સેફ હેવન ગણાતા સોનામાં વર્ષ 2020 દરમિયાન રોકાણકારોને 28.21 ટકા જેટલું ઊંચું વળતર મળ્યું હતું. આ વળતર છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ છે. આની સામે ભારતના શેરબજારમાં આશરે 15 ટકા વળતર મળ્યું હતું. વર્ષ 2020 દરમિયાન બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ 6,498 પોઇન્ટ્સ અને એનએસઇનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 1813 પોઇન્ટ વધ્યો હતો. ટકાવારીની રીતે બંને બેન્ચમાર્ક વર્ષ 2020માં અનુક્રમે 15.75 ટકા અને 14.98 ટકા વળતર મળ્યું હતું. જે છેલ્લા ત્રણ વર્ષનું સૌથી શ્રેષ્ઠ વળતર છે. કેલેન્ડર વર્ષ 2019માં સેન્સેક્સમાં 14.60 ટકા અને નિફ્ટીમાં 12.20 ટકાનું રિટર્ન મળ્યુ છે.

વર્ષ 2019માં સોનામાં રોકાણકારોને 23 ટકાનું વળતર મળ્યું હતું.. છેલ્લે વર્ષ 2011માં રોકાણકારોને સોનામાં સૌથી વધુ 31.1 ટકાનું વળતર મળ્યું હતું. કેલેન્ડર વર્ષ 2020ના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરના રોજ અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ રૂ. 51,800 નોંધાયો હતો, જ્યારે વર્ષ 2019ના છેલ્લા દિવસે સોનાનો ભાવ 40,400 રૂપિયા હતો. 2020ના વર્ષમાં સોનાના ભાવમાં 11,400 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

કોરોના સંકટ અને આર્થિક મંદીને પગલે વર્ષ 2020માં સોનાના ભાવમાં આગઝરતી તેજી આવી હતી. સોનાના ભાવ ભારતીય બજારમાં 7 ઓગસ્ટના રોજ 10 ગ્રામ દીઠ 56,200 રૂપિયાની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા હતા. વૈશ્વિક બજારમાં સોનાએ ઓગસ્ટમાં પ્રથમવાર 2000 ડોલરની સપાટી કુદાવી હતી અને 2075 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઓલટાઇમ હાઇ ભાવ થયો હતો. 2020માં વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 25 ટકા વધ્યા હતા. જે વર્ષ 2010 પછીનું સૌથી શ્રેષ્ઠ વાર્ષિક વળતર છે. સોનાની તેજીનું કારણ અમેરિકન ડોલરની નરમાઇ છે.

બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકન ડોલર સતત નબળો પડ્યો રહ્યો છે આથી સોનામાં તેજી ચાલુ રહેશે. વૈશ્વિક બજારમાં સોનું નવા વર્ષે ઔંશ દીઠ 2,150- 2,200 ડોલરની નવી ઓલટાઇમ હાઇ સપાટી બનાવી શકે છે. વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતીય બજારમાં પણ સોનું ઉછળીને 10 ગ્રામ દીઠ 62,000થી 65,000 રૂપિયાનો નવો ઉંચો ભાવ દેખાડી શકે છે.