અમેરિકન કોંગ્રેસની જ્યુડિશિયરી પેટા સમિતિએ ગયા સપ્તાહે ટેકનોલોજી જગતના માંધાતા ગણાતા ગૂગલ, એમેઝોન, એપલ અને ફેસબૂકના સીઈઓની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરી હતી. આ ચારેય કંપનીઓ વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે હરિફોને પછાડી મોનોપોલી જમાવવાનો આરોપ છે.

અમેરિકન કોંગ્રેસ અને અન્ય ટેકનોલોજી નિષ્ણાતોને ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે ચારેય કંપનીઓ માર્કેટ લીડર હોવાનો ગેરલાભ ઉઠાવી રહી છે અને હરિફોને પછાડી દેવા આડા-અવળા રસ્તા અપનાવે છે, જે અમેરિકી કાયદા પ્રમાણે ન અપનાવવા જોઈએ. અમેરિકી સંસદે આજે ચારેય સીઈઓને બોલાવી તેમની બિઝનેસ કરવાની રીત, માહિતીની ગુપ્તતા.. વગેરે અંગે સવાલ પૂછ્યા હતા.

પૂછપરછના આગેવાન અમેરિકી સાંસદ ડેવિડ સિસિલિઅને કહ્યું હતું કે આ બધી કંપનીઓ જે રીતે વેપાર-કામ-ધંધો કરે છે એ હરિફ કંપનીઓ માટે ઘાતક છે. જેમ કે ગૂગલમાં સર્ચ કરતાં ગૂગલ પોતાની સાથે જોડાણ હોય એવુ જ પરિણામ બતાવે તો જે હરિફ કંપનીનું ગૂગલ સાથે જોડાણ નથી તેને ભારે નુકસાન થાય. આવા અલગ અલગ આક્ષેપો બધી કંપનીઓ પણ થઈ રહ્યા છે.

ફેસબૂકના માર્ક ઝકરબર્ગે પૂછપરછમાં સ્વીકાર કર્યો હતો કે તેમણે કેટલીક ચીજો હરિફોમાંથી કોપી કરી છે. પોતાની એપમાં અન્ય લોકપ્રિય એપની ચીજો સીધી જ ઉઠાવી લીધી હોવાનો એકરાર કર્યો હતો, પણ તેની વધારે વિગતો આપી ન હતી.તો વળી એમેઝોનના જેફ બેઝોસે કહ્યું હતું કે અમારા પ્લેટફોર્મ પર આવનારા વેચારણકર્તાઓના ડેટાનો ઉપયોગ અમે અમારા એમેઝોનના અંગત હિત માટે કર્યો હોય એવુ બની શકે.

જોકે એમેઝોનની પોલિસી છે કે અન્ય વેચાણકર્તાઓનો ડેટા ન વાપરવો એ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. પણ કદાચ ક્યાંક આ પોલિસીનો ભંગ પણ થયો હોય એવી સંભાવના તેમણે નકારી ન હતી. ગૂગલા સુંદરને પૂછવામાં આવ્યું કે ચાઈનિઝ કંપનીઓ તમારી ટેકનોલોજી ચોરી કરે છે? ત્યારે તેમણે ના કહી હતી. પરંતુ આ જ સવાલનો જવાબ માર્કે હા તરીકે આપ્યો હતો.

સેનેટર ગ્રેગ સ્ટેબે સુંદરને પૂછ્યું હતું કે તમે કેમ અમારા ચૂંટણી પ્રચારના ઈ-મેઈલને સ્પામ કરી દીધા હતા? સુંદરે જવાબ આપ્યો હતો કે ઈ-મેઈલ મેળવનારની પસંદ-નાપસંદના આધારે સ્પામ મેઈલ નક્કી થતાં હોય છે. એ ગૂગલની સિસ્ટમ પોતે નક્કી કરી છે. સિસ્ટમને ખબર નથી હોતી કે મેઈલ મોકલનાર તમારા પિતા છે.

એપલના ટીમ કૂકે ખુલાસો કર્યો હતો કે અમારી કંપની અસલી અમેરિકન કંપની છે. અમે જ્યાં બિઝનેસ કરીએ છીએ ત્યાં ક્યાંય માર્કેટ લિડર નથી. એટલે અમે હરિફોને દબાવતા હોઈએ એવુ બનતું નથી. દરમિયાન અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે આ બધી મોટી કંપનીઓ મળીને ગરબડ કરે છે એ બરાબર નથી.

જો અમેરિકન કોંગ્રેસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો પોતેે સમગ્ર મામલો પોતાના હાથમાં લેશે એવું પણ તેમણે કહ્યું હતું. પાંચ કલાકની પૂછપરછ પછી અમેરિકી સાંસદોએ કહ્યું હતું કે ચારેય સીઈઓએ અત્યારે તો સંતોષકારક જવાબો આપ્યા છે. પણ જરૂર જણાશે તો આ કંપનીઓનું વિભાજન કરાશે, જેથી તેમની તાકાત ઘટી જાય.