પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારની દરમિયાનગીરી પછી ગૂગલે તેના પ્લેસ્ટોરમાંથી હટાવેલી આશરે 250 એપ્સ રિસ્ટોર કરી હતી. સર્વિસ ફીના વિવાદને કારણે ગૂગલે મેટ્રિમની સહિતની એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી.

ગૂગલે જણાવ્યું છે કે, તે આગામી સમયમાં પણ કંપનીઓના ઇન-એપ પેમેન્ટ પર ૧૧થી ૨૬ ટકા સર્વિસ ફી ચાર્જ કરવાનું ચાલુ રાખશે. જોકે, આગામી ૩-૪ મહિનામાં ગૂગલ અને કંપનીઓ ચર્ચા કરીને વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરશે. ટેલિકોમ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગૂગલ અને સ્ટાર્ટ-અપ્સ વચ્ચે વાટાઘાટ માટે પહેલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગૂગલ ભારતના ટેક્નોલોજી વિકાસની સફરને ટેકો આપતી રહી છે. ગૂગલ અને સ્ટાર્ટ-અપ કમ્યુનિટી અમને મળ્યા હતા. વાટાઘાટ હકારાત્મક રહી હતી અને ગૂગલે તમામ એપ્સને ફરી પ્લે સ્ટોર પર મૂકરવા સંમતિ દર્શાવી છે.”

ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટમાં વિવિધ અપીલ ચાલી રહી છે ત્યારે અમે કામચલાઉ ધોરણે ડેવલપર્સની એપ્સ ફરી લિસ્ટ કરી રહ્યા છીએ. વચગાળામાં અમે સંપૂર્ણ સર્વિસ ફી ચાર્જ કરવાનું ચાલુ રાખીશું. જોકે, કંપનીઓ માટે ચુકવણીની મુદત લંબાવાઈ છે. અમે પરસ્પર સહયોગથી તમામ પક્ષકારોની જરૂરિયાત સંતોષાય તેવો ઉકેલ લાવવા સક્રિય છીએ.” એપ ડેવલપર્સે જણાવ્યું હતું કે, હજુ લાંબા ગાળાનો ઉકેલ શોધવાનો બાકી હોવાથી લડતમાં જીત મળી નથી.

ગૂગલે શુક્રવારે ઘણી ભારતીય એપ્સ ડિલિસ્ટ કરી ત્યારે સરકારે કંપનીના પગલાને અસ્વીકાર્ય ગણાવ્યું હતું અને તેની સામે વાંધો લીધો હતો. ત્યાર પછી શનિવારે કંપનીએ અમુક એપ્સ ફરી પ્લે સ્ટોર પર મૂકી હતી. વૈષ્ણવ અને આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગૂગલ અને એપ માલિકો સાથે સોમવારે વ્યાપક વાટાઘાટ કરી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

one × three =