કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ સહિત વક્ફ બોર્ડની 123 મિલકતો કબજે કરવા માટે બુધવારે નોટિસ ફટકારી હતી. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી.
બે સભ્યોની સમિતિના અહેવાલના આધારે મંત્રાલયે આ વર્ષે ફેબ્રુઆરીમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનો સહિત વક્ફ બોર્ડની 123 મિલકતોને પોતાના કબજામાં લેવાનો નિર્ણય કર્યા પછી હવે આ હિલચાલ થઈ છે.
નાયબ જમીન અને વિકાસ અધિકારીએ 8 ફેબ્રુઆરીએ વકફ બોર્ડને એક પત્ર લખ્યો હતો. તેમાં માહિતી આપવામાં આવી હતી કે વકફ બોર્ડને 123 મિલકતોને લગતી તમામ બાબતોમાંથી “મુક્ત” કરવાનો નિર્ણય કરાયો છે.
કેન્દ્રીય મંત્રાલયના લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (L&DO)એ જણાવ્યું હતું કે વકફ મિલકતોને ડિનોટિફાઇડ કરવાના મુદ્દે રચવામાં આવેલી જસ્ટિસ (નિવૃત્ત) એસ.પી. ગર્ગની આગેવાની હેઠળની બે-સભ્યોની સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે આ અંગે દિલ્હી વકફ બોર્ડ તરફથી કોઈ રજૂઆત કે વાંધો મળ્યો નથી.
L&DO પત્રમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત તથ્યો પરથી સ્પષ્ટ થાય છે કે આ મિલકતોમાં દિલ્હી વક્ફ બોર્ડનો કોઈ હિસ્સો નથી. દિલ્હી વક્ફ બોર્ડે તેમાં કોઇ રસ દર્શાવ્યો નથી કે કોઇ વાંધા કે દાવા કર્યાં નથી. તેથી તેને દિલ્હી વક્ફ બોર્ડને આમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર 123 મિલકતોનું ભૌતિક નિરીક્ષણ કરી શકે છે. આ મિલકતોનો કબજો પોતાના પાસે હોવાનો દિલ્હી વક્ફ બોર્ડનો દાવો છે.
આ નિર્ણયનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાને વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી મુસ્લિમ સમુદાયમાં વ્યાપક ચિંતા, ભય અને રોષ ફેલાયો છે. કેટલાક લોકો તેના વિશે જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. આનો પુરાવો તમારા બધાની સામે છે. અમે કોઈને વક્ફ બોર્ડની મિલકતો પર કબજો કરવાની મંજૂરી આપીશું નહીં














