સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે રૂ.1500 કરોડના કથિત જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની શુક્રવાર, 2 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.
જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને આશરે ત્રણ કલાક લાંબી પૂછપરછ કર્યા કર્યા પછી આ કાર્યવાહી કરી હતી. ઇડી તેમને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાંડની માગણી કરી કરશે.
સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાની ગેરરીતિના આક્ષેપો થયા હતાં. અગાઉ ઇડીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં.
આ કૌભાંડમાં માત્ર કલેક્ટર જ નહીં, પરંતુ અન્ય કર્મચારીઓ સામે પણ સકંજો કસાયો હતો. આ અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ કેસ દાખલ કરાયા હતાં. કૌભાંડની ગંધ આવતા અને તપાસ શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરથી તાત્કાલિક અસરથી બદલી હતી.












