દિલ્હી રમખાણોના માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદ (ANI Photo)

અમેરિકાના આઠ સાંસદોના એક ગ્રુપે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાને પત્ર લખીને ઉમર ખાલિદ સામે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર “ન્યાયી અને સમયસર” કેસ ચલાવવાની અને જેલમાં મુક્ત કરવાની માગણી કરી હતી. ઉમર ખાલિદ ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોના કેસનો માસ્ટરમાઇન્ડ આરોપી છે અને પાંચ વર્ષથી જેલમાં બંધ છે. આ રમખાણોમાં 53 લોકોના મોત થયાં હતાં અને 700થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

યુએસ પ્રતિનિધિઓ જીમ મેકગોવર્ન અને જેમી રાસ્કિન સહિતના સાંસદોએ આ રમખાણોના સંબંધમાં આરોપીઓની લાંબા સમય સુધી પ્રી-ટ્રાયલ અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં ખાલિદનો પણ સમાવેશ થાય છે. આ પત્ર પર કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલ, યુએસ પ્રતિનિધિઓ જાન શાકોવસ્કી, લોયડ ડોગેટ, રાશિદ તલાઈબ અને યુએસ સેનેટર ક્રિસ વાન હોલેન અને પીટર વેલ્ચે પણ હસ્તાક્ષર કર્યા હતાં.

ખાલિદ અને કેટલાક અન્ય આરોપીઓ સામે પર કડક આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારા, 1967 (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની જોગવાઈઓ હેઠળ દિલ્હી રમખાણોના “માસ્ટરમાઈન્ડ” હોવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે,

30 ડિસેમ્બરે લખવામાં આવેલા પત્રમાં દાવો કરાયો છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો તરીકે બંને રાષ્ટ્રો સ્વતંત્રતા, કાયદાનું શાસન, માનવ અધિકારો અને બહુલવાદનું રક્ષણ અને સમર્થન કરવામાં રસ ધરાવે છે. આ ભાવનાથી તેઓ ખાલિદની અટકાયત અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. માનવાધિકાર સંગઠનો, કાનૂની નિષ્ણાતો અને વૈશ્વિક મીડિયાએ ખાલિદની અટકાયત સંબંધિત તપાસ અને કાનૂની પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદા હેઠળ લાદવામાં આવેલા આરોપો માટે તેમને પાંચ વર્ષથી જામીન વિના અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય નાગરિક અને રાજકીય અધિકારો પરના કરાર (ICCPR) હેઠળ ભારતે વ્યક્તિઓના વાજબી સમયની અંદર ટ્રાયલ અથવા મુક્ત થવા કરવા તથા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે તેવા અધિકારોનું સમર્થન કરવું જોઈએ.

ખાલિદ ઉપરાંત આ પત્રમાં શર્જીલ ઇમામ, ગુલ્ફીશા ફાતિમા અને ખાલિદ સૈફીનો પણ ઉલ્લેખ કરાયો હતો. આ તમામ રમખાણોના આરોપી છે.

LEAVE A REPLY