યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે યુકેમાં ગેરકાયદે પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવાનું આયોજન કર્યું છે. સરકાર ટૂંક સમયમાં ફરજિયાત નિઃશૂલ્ક ડિજિટલ આઈડી યોજના બનાવશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જો કોઈ ગેરકાયદે કામ કરનાર પાસે આ ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો તેઓ દેશમાં રોજગારી મેળવી શકશે નહીં. આ યોજના અંતર્ગત દેશના નાગરિકો અને દેશમાં વસતા કાયદેસરના રહેવાસીઓને ડિજિટલ આઇડી આપવામાં આવશે. આ યોજનાથી સરકારને જરૂરી ડોક્યુમેન્ટ્સ તપાસવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને સમય પણ બચશે.
વૈશ્વિક સ્તરે આ પ્રકારની સમાન યોજનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન સ્ટારમરે ભારતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ભારતમાં અમલી આધાર કાર્ડ યોજનાની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, ભારત સરકારે આધાર કાર્ડ દ્વારા કલ્યાણકારી યોજનામાં થતો ભ્રષ્ટાચાર રોકીને 10 બિલિયન ડોલર બચાવ્યા છે. યુકેમાં વર્તમાન સંસદના અંત (2029) પહેલા જ કામ કરવાના અધિકાર હેઠળ તમામને ફરજિયાત નિઃશુલ્ક ડિજિટલ આઈડી આપવાની કામગીરી પૂર્ણ કરાશે તેમ લંડન ખાતે ગ્લોબલ પ્રોગ્રેસ એક્સન સમિટમાં સ્ટાર્મરે જણાવ્યું હતું.
લોકો આ સર્વિસને દેશની એનએચએસ તથા મોબાઈલ પેમેન્ટ એપની જેમ તેમના સ્માર્ટફોનમાં રાખી શકશે. જો તમારી પાસે ડિજિટલ આઈડી નહીં હોય તો તમે યુકેમાં કામ કરી શકશો નહીં. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી ગેરકાયદે વસવાટ કરનારા લોકો પ્રત્યે સ્પષ્ટ વાત કરવામાં લેબર પાર્ટી સંકોચ અનુભવતી હતી પરંતુ હવે કોઈને છોડાશે નહીં. જીવના જોખમે લોકો યુકેમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે છે. ઓનલાઈન આઈડીથી બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે દેશમાં ગેરકાયદે વસતા લોકોને ખોટા વચનો આપતી ગુનાઇત ગેંગને નાથવામાં મોટી મદદ મળશે.
