ઈંગ્લેન્ડમાં જનરલ પ્રેક્ટિશનર (GP)નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા ડોક્ટરને બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)માં તેમના પર કથિત અશ્લિલ ટિપ્પણીઓ અને ગેરવર્તન થવા બદલ તેમને ફરજિયાત બીમારીની રજા પર ઉતરી જવું પડ્યું છે, તેવી વાત બહાર આવી છે.
ડો. ફરાહ જમીલે ગત નવેમ્બરમાં BMAની GP કમિટીનું ચેરવૂમન તરીકે હોદ્દો સંભાળ્યો હતો પરંતુ આ વર્ષે માર્ચમાં તેઓ બીમારીની રજા પર ઉતરી ગયા હતા. હવે તેમણે ફરીથી તેમનો કાર્યભાર સંભાળી લીધો છે.
BMA દ્વારા અંગે પુષ્ટિ કરવામાં આવી હતી કે, ડો. જમીલે ‘BMAમાં તેમને થયેલા અનુભવ અને માહોલથી તેમના આરોગ્ય પર પડેલી અસર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.’
GP મેગેઝિન- પલ્સ દ્વારા આ અંગે કરવામાં આવેલી તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે અશ્લિલ ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો, BMAના અધિકારીઓએ તેમને કહ્યું હતું કે સંસ્થાને ‘તેમની સાથે શું કરવું છે તે જાણતી નથી.’
BMAને 2019માં ‘અશ્લિલ સંસ્કૃતિ’ ના અગાઉના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ડોકટરોએ યુનિયનમાં તેમના હોદ્દા છોડ્યા હતા અને એવો દાવો કર્યો કે તેમને સતત બદનામ કરવામાં આવે છે, તેમની છેડતી સહિત વગેરે રીતે પરેશાન કરવામાં આવે છે. એક રીપોર્ટ મુજબ વરિષ્ઠ પુરુષ સાથીઓએ ડો. જમીલની બ્રાના માપનું અનુમાન લગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આવા આક્ષેપોના રીપોર્ટ સામે ડેફ્ની રોમની ક્યુસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે BMA એ ‘ઓલ્ડ બોયઝ ક્લબ’ છે, જ્યાં મહિલા સાથીઓને ‘સિલી ગર્લ્સ’, ‘લિટલ લેડીઝ’ અને ‘વી લેસીઝ’ તરીકે ઓળખવામાં આવે છે. ગત મહિનાની શરૂઆતમાં જાહેર થયેલા બીજા રીપોર્ટમાં જાણવા મળ્યું કે BMAની ઈંગ્લેન્ડ GP કમિટી (GPC) પાસે હજુ પણ ‘ઓલ્ડ બોયઝ નેટવર્ક’ છે અને તેની અંદરની ગુંડાગર્દીથી મહિલાઓ અને અન્ય લઘુમતી જૂથો હાંસિયામાં ધકેલાયા છે.
જીપી ડિફેન્સ ફંડ દ્વારા આ રીપોર્ટની સમીક્ષા શરૂ કરવામાં આવી હતી અને તેની તપાસ આઇજેઓમા ઓમામ્બાલા ક્યુસી દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમણએ જણાવ્યું હતું કે ‘એવી લાગણી હતી કે જીપીસી ઇંગ્લેન્ડની ચૂંટણીઓનું સંચાલન ‘ઓલ્ડ બોયઝ નેટવર્ક’ દ્વારા થાય છે, જેમાં જીપીસીની ઘણી બેઠકો ચોક્કસ વ્યક્તિની માનવામાં આવે છે. તેના પરિણામે તમામ બેઠકો પર ચૂંટણી લડવામાં આવતી નથી, જેથી તે જ વ્યક્તિ વારંવાર કોઇપણ સ્પર્ધા વગર અને ક્યારેક ખૂબ જ ઓછા સમર્થન સાથે ચૂંટાયા કરે છે.’
આ અંગે એસોસિએશનના જોઇન્ટ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ રચેલ પોડોલક અને નીતા મેજરે આ અંગે જણાવ્યું હતું કે, ડો. જમીલ પર થયેલી અશ્લિલ ટિપ્પણીઓ અંગેના રીપોર્ટ્સ જોઇને ખૂબ ચિંતા કરીએ છીએ અને પ્રકારની વર્તણૂક અસ્વીકાર્ય છે.