મહારાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાએ શ્રદ્ધા, એકતા અને સાંસ્કૃતિક સંવાદિતાના ભાગરૂપે નોર્થ વેસ્ટ લંડનના નીસડનમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે મુલાકાત લીધી હતી.
તા. 29 ઓક્ટોબરના રોજ સવારે શાહી દંપતી મંદિરે પહોંચતા તેમનું પરંપરાગત હિન્દુ વિધિઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના કોઠારી અને યુકે-યુરોપના હેડ સંત પૂ. યોગવિવેક દાસ સ્વામીએ મહારાજાનું લાલ અને સફેદ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ મિત્રતા અને સદ્ભાવનાનું કાયમી બંધન દર્શાવતી નાડાછડી મહારાજાના કાંડા પર બાંધી આશિર્વાદ અપ્યા હતા. આ પ્રસંગે મંદિરના વરિષ્ઠ સંતો પૂ. સત્યવ્રત સ્વામી અને ભગવાન શ્રી સ્વામીનારાયણની મૂર્તિ સાથે પૂ. પ્રબુદ્ધમુનિદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. એજ રીતે મહારાણી કેમિલાનું પણ મહિલા અગ્રણીએ ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું.
રાજા અને રાણીએ ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન, મુખ્ય મંદિરના અન્નકૂટ અને દર્શન કર્યા હતા. તો મંદિરની જટિલ કલાત્મકતા અને ભક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મંદિરના અધ્યક્ષ જીતુભાઈ પટેલ તથા શ્રી કારાએ શાહી દંપતીને મંદિર વિષે માહિતી આપી સ્થાનિક અગ્રણીઓ સાથે પરિચય કરાવી મંદિરના સમૃદ્ધ ઇતિહાસ અને સામુદાયીક કાર્યો અને સંપર્ક વિશે માહિતી આપી હતી.
પૂ. યોગવિવેક સ્વામીએ મહારાજા ચાર્લ્સને શુભેચ્છાઓ પાઠવી હતી અને મંદિરની આધ્યાત્મિક પરંપરાઓ, સેવા કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો.
રાજા અને રાણી મુખ્ય સભા ખંડમાં પ્રવેશ્યા ત્યારે ઉપસ્થિત સૌએ ઉભા થઇને શાહી દંપતીનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. તો પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા કિશોર કિશોરીઓએ BAPSના ધ્વજ લહેરાવ્યા હતા.
લગભગ 70-70 કિશોર – કિશોરીઓ દ્વારા સંસ્કૃતમાં વિશ્વ શાંતિ માટે વૈદિક પ્રાર્થના અને શાંતિ પાઠ કરાયા હતા. બાળકોના સુમધુર અવાજમાં કરાયેલી પ્રાર્થના અને શાંતિ પાઠએ એક આધ્યાત્મિક સ્વર સેટ કર્યો હતો જે મંદિરના કાયમી સંદેશ – “બીજાના આનંદમાં આપણું પોતાનું સુખ રહેલું છે”ને પ્રતિબિંબિત કરે છે.
સભાખંડમાં પૂજ્ય યોગવિવેક સ્વામીએ મહારાજાને “તાજ અને આપણા સમુદાય વચ્ચેની મીઠી કાયમી મિત્રતા”નું પ્રતિનિધિત્વ કરતા શ્રીફળ સાથેનો ખાસ ગોલ્ડન કુંભ ભેટ અપ્યો હતો. જ્યારે મંદિરના મહિલા અગ્રણીએ રાણીને મીઠાઈ ભેટ આપી હતી.

મહારાજાની મંદિરની ચોથી મુલાકાત હતી. કિંગ ચાર્લ્સ જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ હતા ત્યારે 2009માં તેમણે કેમિલા સાથે હોળીની ઉજવણી માટે મુલાકાત લીધી હતી. તે પહેલા પણ તેમણે 2001 અને 1996માં મંદિરની મુલાકાત લીધી હતી.
2020માં, મંદિરની 25મી વર્ષગાંઠ દરમિયાન, શાહી દંપતીએ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે નીસડન મંદિર “સ્થાનિક સમુદાયને પૂજા, શિક્ષણ, ઉજવણી, શાંતિ અને સમુદાયીક સેવાના સ્થળ તરીકે સેવા આપે છે.”
આજની મુલાકાત શાહી પરિવાર દ્વારા બ્રિટનની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાને સતત માન્યતા આપવાના પોતાના અભિગમ પર ભાર મૂકે છે. તો સાથે સાથે તે નીસ્ડન મંદિરની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ પ્રકાશિત કરે છે જે ફક્ત પૂજા સ્થળ તરીકે જ નહીં પરંતુ યુકેમાં હિન્દુ સંસ્કૃતિ, શિક્ષણ, દાન અને સામુદીકય જીવન માટે એક કેન્દ્રબિંદુ તરીકે પણ સેવાઓ આપે છે.
મહારાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાની મુલાકાતે નીસડન મંદિરમાં ત્રણ દાયકાની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સ્થાપત્યની સિદ્ધિની ઉજવણી કરી હતી અને શાહી પરંપરા અને સદ્ભાવનાથી સમૃદ્ધ સમારોહમાં રાજાશાહી અને બ્રિટનના હિન્દુ સમુદાય વચ્ચેના સંબંધોને પુષ્ટિ આપી હતી.
આ પ્રસંગે બ્રેન્ટના મેયર કાઉન્સિલર રાયન હેક, હેરોના મેયર કાઉન્સિલર અંજનાબેન પટેલ, યુકેમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામી અને ફ્રેન્ચ પ્રતિનિધિમંડળના સભ્યો સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમી વિશ્વનું સૌ પ્રથમ પારંપરિક શિખરબધ્ધ નીસડન મંદિર
નીસડન મંદિર બ્રિટનના હિન્દુ સમુદાયમાં એક સીમાચિહ્ન મંદિર છે અને પશ્ચિમી વિશ્વનું સૌ પ્રથમ પારંપરિક શિખરબધ્ધ મંદિર છે. મંદિર સંકુલમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સમુદાયીક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પ્રદર્શન હોલ, વ્યાયામશાળા, પુસ્તકાલય, કોન્ફરન્સ સ્પેસ અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરાયો છે.
1995માં આ મંદિરનું નિર્માણ શાસ્ત્રીય વૈદિક સ્થાપત્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સુશોભિત કોતરણીવાળા પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્ટીલનો જરા પણ ઉપયોગ કરાયો ન હતો. મંદિરનો ઘુમ્મટ અને સ્તંભો ભક્તિ અને કારીગરી પ્રતિબિંબિત કરતી આકૃતિઓથી શણગારેલા છે.
ભારતમાં કુશળ કારીગરો દ્વારા આરસ અને ચૂનાના પથ્થરોને હાથથી કોતરવામાં આવ્યા હતા અને પછી તેને લંડન મોકલવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણમાં યુકે અને વિદેશના હજારો સ્વયંસેવકો અને દાતાઓએ ટેકો આપ્યો હતો અને તેને મંદિરમાં એસેમ્બલ કરવામાં આવ્યા હતા.
રાજા-રાણી પેરીસ મંદિરના આર્કિટેક્ટ્સને મળ્યા
આજની મુલાકાત દરિમાયાન મહારાજા ચાર્લ્સ અને રાણી કેમિલા પેરીસ મંદિરના આર્કિટેક્ટ્સ, ત્યાંના લોકલ મેયર, પેરીસ મંદિર ટ્રસ્ટના ચેરમેન શ્રી ભાવસાર સહિત અન્ય અગ્રણીઓને પણ મળ્યા હતા. રાજાએ પેરીસ મંદિરનું એક મોડેલ જોયું હતું અને મંદિર નિર્માણ વગેરે અંદે રાજા-રાણીને માહિતી આપવામાં આવી હતી. પેરીસ મંદિર સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થવાનું છે.
લંડન મંદિર પોતાની સ્થાપનાની ૩૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે ત્યારે લંડન અને યુરોપના ભક્તો પેરિસમાં બંધાઇ રહેલા ફ્રાન્સનું પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂર્ણ થવાની પણ રાહ જોઈ રહ્યા છે.
મહારાજાએ “હેપ્પી બીલેટેડ દિવાળી” કહી શુભેચ્છા પાઠવી
- રાણી કેમિલાએ ઘેરા લીલા રંગનો સ્કર્ટ સૂટ પહેર્યો હતો અને તેમના ગળામાં લાલ અને સફેદ ફૂલો તથા મોતીઓની માળા આકર્ષક લાગતી હતી. તો મહારાજાએ બ્લુ કલરનો સુટ પહેર્યો હતો.
- મહારાજા કેન્સરની બીમારીમાંથી બહાર આવ્યા હોવા છતાય તેઓ લાગલગાટ બે કલાક કરતા વધુ સમય સુઘી ઉભા અને ફરતા રહ્યા હતા.
- ભક્તોને ઉષ્માભર્યા સંકેતમાં, રાજા અને રાણીએ પ્રકાશના તહેવાર દિવાળીનો ઉલ્લેખ કરી “હેપ્પી બીલેટેડ દિવાળી” કહી શુભેચ્છા પાઠવી હતી.
- આ પ્રસંગે મહારાણી કેમિલાએ સમુદાયના સભ્યો અને રંગબેરંગી સાડી પહેરેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
- વરસાદ પડી રહ્યો હોવાથી રાજા અને રાણીએ નીસ્ડન મંદિરના પગથીયા સામેના ઘુમ્મટ નીચેથી બહારના દ્રશ્યનું વિહંગાવલોકન કર્યું હતું.
- 102,018 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ મંદિર સુશોભિત કોતરણીવાળા પથ્થરોથી ઢંકાયેલું છે.
- રાજા અને રાણીએ ચાર જણના પરિવારને ભગવાન નિલંકઠવર્ણીનો અભિષેક કરતા જોયા હતા. કિંગ ચાર્લ્સે પરિવારને પૂછ્યું હતું કે તેઓ કેટલી વાર અભિષેક કરે છે અને શું બાળકો હાફ-ટર્મની હોલીડે પર છે. મહારાજાએ તેમને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.












