ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે, પરંતુ સોમવારે કોરોનાથી છ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં 406 નવા કેસ સામે 1,106 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.62 ટકાએ પહોંચી ગયો હતો.

સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 8 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,003 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. સોમવારે સાંજ સુધી રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 9,542 હતી, જેમાંથી નાજુક સ્થિતિના કારણે 223 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. 6 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે એકપણ જિલ્લા કે શહેરમાંથી 100થી વધુ કેસ નોંધાયા નથી.

રાજ્યમાં અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગાંધીનગર, જામનગર અને ભાવનગર શહેર તથા ભરૂચ, નવસારી, બનાસકાંઠા, ખેડા, વલસાડ, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા, તાપી, જામનગર, અરવલ્લી, ભાવનગર, મોરબી અને નર્મદા જિલ્લામાં માત્ર સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા હતા.