ગુજરાતમાં સંખ્યાબંધ શહેરો અને ગામડામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યાં હોવા છતાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 12,206 નવા કેસ નોંધાયા હતા અને 121 દર્દીઓના મોત થયા હતા. નવા કેસો સામે 4,339 દર્દીઓ કોરોનામુક્ત બન્યાં હતા. એક્ટિવ કેસનો આંકડો 76,500 થયો હતો. રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,615 થયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી ગંભીર સ્થિતિ છે, અમદાવાદમાં નવા 4,691 કેસ અને 23નાં મોત નિપજ્યા હતા. સુરતમાં નવા 1,928 કેસ અને 25 મોત થયા હતા. એમ મંગળવારે સાંજે સત્તાવાર ડેટામાં જણાવાયું હતું.

સરકારના ડેટા અનુસાર રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 408,602 લાખને પાર કરી ગયો હતો. આની સામે આશરે 3.46 લાખ લોકો કોરોનાથી રિકવર થયા હતા. રિકવરી રેટ ઘટીને 80.82 ટકા થયો હતો. વડોદરામાં 13નાં મોત, રાજકોટમાં 12, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 4, જામનગરમાં 6, મોરબીમાં 3, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 2, ભાવનગરમાં 3, બોટાદમાં 2, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અમરેલીમાં 1, છોટા ઉદેપુરમાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 1, પંચમહાલમાં 1 દર્દીનું મોત થયું હતું.

સરકારના ડેટા મુજબ વડોદરામાં 625 અને રાજકોટમાં 850 કેસ, જામનગરમાં 483 અને ભાવનગરમાં 287 કેસ, ગાંધીનગર 323 અને જૂનાગઢમાં 172 કેસ, મહેસાણામાં 485, બનાસકાંઠામાં 263, કચ્છમાં 176 કેસ, ભરૂચમાં 171, દાહોદમાં 139, પંચમહાલમાં 135 કેસ, અમરેલી – સાબરકાંઠામાં 122 – 122, ખેડામાં 121 કેસ, નર્મદામાં 121, તાપીમાં 113, નવસારીમાં 105 કેસ, પાટણમાં 104, મહિસાગરમાં 86, વલસાડમાં 80 કેસ, સુરેન્દ્રનગરમાં 76, મોરબીમાં 74, અરવલ્લીમાં 66 કેસ, દ્વારકામાં 62, આણંદમાં 58, છોટાઉદેપુરમાં 52 કેસ, ગીર સોમનાથમાં 49 અને પોરબંદરમાં 42 કેસ, બોટાદમાં 14 અને ડાંગમાં 11 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટની સ્થિતિ વધુ ગંભીર છે. આ શહેરોમાં હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે અને સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગે છે. રાજ્યમાં મેડિકલ ઓક્સિન અને રેમડેસિવિર જેવી દવાઓની અછત ઊભી થઈ છે. અમદાવાદમાં અનેક વિસ્તારો અને બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હોવાથી સરકારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવાની તૈયારીઓ કરી હતી. આ હોસ્પિટલ માત્ર બે સપ્તાહમાં જ તૈયાર કરી દેવામા આવશે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો.