દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સીન આપવાના નિર્ણય પહેલા સપ્લાયમાં વધારો કરવા માટે સરકારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક જેવી વેક્સીન ઉત્પાદક કંપનીઓને એડવાન્સમાં રૂ.4,500 કરોડની ચુકવણીને મંજૂરી આપી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ભારત સરકારને જુલાઇના અંત સુધી વેક્સીનના ડોઝ દીઠ રૂ.150ના ભાવે સીરમ 200 મિલિયન ડોઝ અને ભારત બાયોટેક બીજા 90 મિલિયન ડોઝ સપ્લાય કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયે આગોતરું પેમેન્ટ કરવા માટે નિયમોને હળવા બનાવ્યા છે, જેથી દેશમાં વેક્સીનના ઉત્પાદનને વેગ મળી શકે છે. સીરમને એડવાન્સમાં રૂ.3,000 કરોડ અને ભારત બાયોટેકને રૂ.1,500 કરોડ મળશે.

આ નિર્ણય અંગે કોમર્સ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નાણાપ્રધાને વેક્સીન ઉત્પાદકોને ક્રેડિટ લાઇન આપવાની મંજૂરી આપી છે અને તેમની મંજૂરીથી કેબિનેટની મંજૂરીની જરૂર પડશે નહીં.

આ મહિનાના પ્રારંભમાં સીરમના સીઇઓ અદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કંપનીને ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂ.3,000 કરોડની જરૂર છે. સીરમે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. પુનાવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતની વેક્સીન ઇન્ડસ્ટ્રી વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.