Fear of a new wave of Corona in India since January
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં શુક્રવારે સતત બીજા દિવસે 500થી વધુ કોરોના કેસો નોંધાતા સરકાર નાઇટ કરફ્યુ સહિતના નિયંત્રણોને લંબાવ્યા છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોઈ તેવાં એંધાણ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 8 શહેરોમાં લાગુ કરવામાં આવેલ નાઈટ કરફ્યુનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. હવે આઠ શહેરોમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ સહિતના પ્રતિબંધો લાગુ રહેશે. સરકારી કચેરીમાં હવે પ્રવેશ માટે રસીના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે, તેના વગર લોકોને સરકારી કચેરીઓમાં પ્રવેશ નહીં મળે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે શુક્રવારે સાંજે આ અંગે જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આગામી સાત જાન્યુઆરી સુધી નાઈટ કરફ્યુ સહિતના પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર સુધી જે નિયમો હતા, તે 7 જાન્યુઆરી સુધી યથાવત રહેશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બંને ડોઝ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા નહીં હોય તેઓને સરકારી કચેરીઓમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 573 કેસો નોંધાયા હતા અને સામે 102 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,118 પર પહોંચ્યો હતો. રાજકોટ કોર્પોરેશન અને અરવલ્લીમાં 1-1 દર્દીનું મોત નીપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 74, વડોદરા કોર્પોરેશનમાં 41, રાજકોટ (જિલ્લા)માં 18, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, કચ્છમાં 16, વલસાડમાં 15, આણંદમાં 14, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 10-10 કેસ નોંધાયા હતા.