નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તાલુકા પંચાયતના પદાધિકારી પર કથિત રીતે હુમલો કર્યા બાદ ગુજરાત AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરાઈ હતી. આ ઘટના શનિવારે વસાવાના મતવિસ્તાર ડેડિયાપાડામાં પ્રાંત કાર્યાલયમાં આયોજિત એક બેઠક દરમિયાન બની હતી.
નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે વસાવાને આજે બપોરે સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયાં હતાં. કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. તેઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જવાયાં હતાં. કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી.
વસાવાએ કથિત રીતે સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો, જેનો દેડિયાપડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ વાંધો ઉઠાવ્યો હતો. સંજય વસાવાની ફરિયાદ મુજબ ધારાસભ્યએ કથિત રીતે તેમના પર મોબાઇલ ફોન ફેંકીને હુમલો કર્યો હતો, જેના કારણે તેમના માથામાં ઇજાઓ થઈ હતી.
ચૈતર વસાવાની ધરપકડ બાદ ડેડિયાપાડામાં તંગદિલીમાં વધારો થયો હતો. તેનાથી સ્થાનિક વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વિસ્તારમાં એક જગ્યાએ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદ્યો હતો.
