ઈંગ્લેન્ડના પ્રવાસે આવેલી ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ટેસ્ટમાં પરાજય પછી પાંચ ટેસ્ટ મેચની સીરીઝની રવિવારે બર્મિંગહામમાં પુરી થયેલી બીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ તોડી 336 રનના જંગી માર્જીનથી ઈંગ્લેન્ડને હરાવી ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે, તેના યુવા સુકાની શુભમન ગિલે કેટલાય રેકોર્ડ તોડ્યા હતા, તો ફાસ્ટ બોલર આકાશ દીપે પણ આ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ચાર તેમજ બીજી ઈનિંગમાં છ, કુલ 10 વિકેટ લઈ રેકોર્ડ કર્યો હતો અને ઈંગ્લેન્ડની છાવણીમાં સિનિયર સાથી મોહમદ સિરાજ સાથે રહીને સનસનાટી મચાવી દીધી હતી.
ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ટોસ જીતી પહેલા ભારતને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. સુકાની શુભમને મોખરે રહીને બેટિંગમાં પોતાનું અદ્વિતિય કૌશલ્ય દાખવતાં રેકોર્ડ 269 રન કર્યા હતા, તો ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે 87 અને રવીન્દ્ર જાડેજાએ 89 રનનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો. ભારતે પહેલી ઈનિંગમાં 151 ઓવરમાં 587 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. વોશિંગ્ટન સુંદર (42) અને કરૂણ નાયરે (31) પણ ઉપયોગી ફાળો આપ્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી સ્પિનર શોએબ બશીરે 3 અને ક્રિશ વોક્સ તથા જોશ ટંગે 2-2 વિકેટ લીધી હતી.ઈંગ્લેન્ડે તેની ઈનિંગની શરૂઆત તો કંગાળ કરી હતી અને 84 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ત્રણ દિગ્ગજો – બેન ડકેટ, ઓલી પોપ અને બેન સ્ટોક્સ તો શૂન્ય રને જ વિદાય થયા હતા. પણ એ પછી છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં હેરી બ્રૂક અને જેમી સ્મિથે 303 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી, બન્ને બેટર્સે દોઢ સદી કરી હતી. એ તબક્કે તો એવું લાગતું હતું કે તેઓ ભારતના સ્કોરની ઘણી નજીક પહોંચી જશે. પણ આકાશ દીપે હેરી બ્રૂકને બોલ્ડ કર્યા પછી ઈંગ્લેન્ડની બાકીની ચાર વિકેટમાંથી વધુ ત્રણ શૂન્યમાં પડી હતી અને એકંદરે ટીમ 407 રનમાં ઓલાઉટ થઈ જતાં તે પહેલી ઈનિંગમાં ભારતથી 180 રન પાછળ રહી ગઈ હતી. બ્રૂકે 158 તથા સ્મિથે અણનમ 184 કર્યા હતા. સિરાજે 70 રનમાં છ અને આકાશ દીપે 88 રનમાં ચાર વિકેટ લીધી હતી.
શુભમન ગિલ જાણે રેકોર્ડ્સ સર્જવા જ આવ્યો હોય તેમ ભારતીય સુકાનીએ બીજી ઈનિંગમાં ઝમકદાર બેટિંગ સાથે 162 બોલમાં 8 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 161 રન કર્યા હતા. આ ટેસ્ટમાં તેનો કુલ સ્કોર રેકોર્ડ 430 રનનો થયો હતો. ભારત વતી જાડેજાએ સતત બીજી ઈનિંગમાં પણ અડધી સદી (અણનમ 69) કરી હતી, તો પંતે 65 અને રાહુલે 55 કર્યા હતા. ભારતે બીજી ઈનિંગ છ વિકેટે 427 રન કરી ડીકલેર કરી હતી. આ રીતે, ઈંગ્લેન્ડ સામે વિજય માટે 608 રનનો રેકોર્ડ ટાર્ગેટ મુકાયો હતો.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં એકમાત્ર જેમી સ્મિથ 88 રન કરી શક્યો હતો, તે સિવાય કોઈ બેટર 40 સુધી પહોંચી શક્યો નહોતો. આકાશદીપે 99 રનમાં છ વિકેટ લઈ પોતાની ટેસ્ટ કેરિયરની એક ઈનિંગમાં પહેલીવાર પાંચ વિકેટ તથા મેચમાં 10 વિકેટની સિદ્ધિ નોંધાવી હતી. સુકાની ગિલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 68.1 ઓવરમાં 271 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું.
