ગુજરાતમાં હજુય કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી.રોજરોજ કેસો જ નહીં,મૃત્યુદર પણ ચિંતાજનકહદે વધી રહ્યો છે.અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કેસો-મૃત્યુદર વધુ છે.અત્યારે એવી પરિસ્થિતી છેકે,માત્ર ડાંગ જિલ્લાને બાદ કરતાં આખુય ગુજરાત કોરોનાગ્રસ્ત બન્યું છે.તેમાંય કેસો અને મૃત્યુદરની દ્રષ્ટિએ અમદાવાદ રાજ્યમાં મોખરે રહ્યું છે.આજે પણ ગુજરાતમાં વધુ ૪૦૫ કેસો નોંધાયા હતાં પરિણામે રાજ્યમાં કુલ કેસોનો આંકડો વધીને ૧૪,૪૬૮ થયો છે.આ જ પ્રમાણે,મોતનો સિલસીલો યથાવત રહ્યો છે.છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૦ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૮૮ લોકો કોરોનાને લીધે મોતને ભેટયાં છે.ઉંચા મૃત્યુદરમાં જાણે ફરક પડી શક્યો નથી.જે અમદાવાદીઓ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.

તામિલનાડુમાં કેસોની સંખ્યા વધુ છે પણ મૃત્યુઆંક ઓછો છે.જયારે ગુજરાતમાં કેસો તો વધુ છે સાથે સાથે મૃત્યુઆંક પણ વધુ છે જેના કારણે રાજ્ય આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.છેલ્લાં એકાદ સપ્તાહથી ગુજરાતમાં રોજ ૨૫૦થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે જયારે ૨૦થી વધુના મોત થઇ રહ્યાં છે.ઉંચા મૃત્યુદરને કારણે ગુજરાત હાઇકોર્ટે પણ રૂપાણી સરકારને ફટકાર લગાવી છે.આજે પણ ગુજરાતમાં કુલ ૩૦ દર્દીઓના મૃત્યુ થયા હતાં જેમાં ૮ દર્દીઓને તો કોઇ બિમારી ન હતી પણ માત્ર કોરોનાના ચેપથી મૃત્યુ પામ્યા હતાં.

અન્ય ૨૨ દર્દીઓ હૃદયરોગ,ડાયાબિટીસ સહિત હાઇરિસ્ક બિમારીને કારણે કોરોના સામેનો જંગ જિતવામાં સફળ થઇ શક્યા નહીં.આ કુલ ૩૦ દર્દીઓ પૈકી અમદાવાદમાં જ ૨૫ દર્દીઓના મૃત્યુ થયા હતાં. રાજ્ય આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસો છતાંય અમદાવાદનો મૃત્યુદર ઓછો થયો નથી. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં ૩,આણંદમાં ૧ અને સુરતમાં ૧ દર્દીનુ મોત થયુ હતું.અત્યારે ગુજરાતની વિવિધ હોસ્પિટલમાં ૧૦૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.હવે રૂપાણી સરકાર માટે પણ ઉંચો મૃત્યુદર એક પડકારરુપ બન્યુ છે.

આખાય રાજ્યમાં અમદાવાદ શહેર જાણે કોરોનાનુ એપી સેન્ટર સાબિત થઇ રહ્યું છે.છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં નવા ૩૧૦ કેસો નોધાયા હતાં. છેલ્લાં એકાદ સપ્તાહથી કોરોનાના કેસો ૨૬૦-૨૮૦ની વચ્ચે રહ્યાં હતાં પણ આજે કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. કોરોનાની પેટર્ન બદલાઇ છે જેના કારણે પૂર્વની સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં કેસો નોંધાઇ રહ્યાં છે.હવે નદી પારના વિસ્તારમાં કોરોના પ્રસરી રહ્યો છે.

આ તરફ,લોકડાઉનમાં છુટછાટ અપાયાં બાદ જાણે કોરોના પ્રસરી રહ્યો છે.એક દિવસમાં ૨૦ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું. અમદાવાદ ઉપરાંત સુરતમાં ૩૧,વડોદરામાં ૧૮,સાબરકાંઠામાં ૧૨,મહિસાગરમાં ૭,ગાંધીનગરમાં ૪,પંચમહાલમાં ૩,નર્મદામાં ૩,ભાવનગરમાં ૨,આણંદમાં ૨, સુરેન્દ્રનગરમાં ૨,અમરેલીમાં ૨,રાજકોટમાં ૨ કેસ નોંધાયા હતાં. સાથે સાથે મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ,નવસારી અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો હતો.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૪૬૮ કેસો નોંધાઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો રેટ ૪૦ ટકા રહ્યો છે.આજે પણ ૧૩ જિલ્લામાં ૨૨૪ દર્દીઓ સ્વસ્થ થયા હતાં. આ બધાય દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૬૬૩૬ દર્દીઓ સાજા થયાં છે.આજે અમદાવાદમાં સૌથી વધુ ૧૩૬ લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યોહતો.સુરતમાં ૩૪,વડોદરામાં ૧૩,રાજકોટમાં ૧૧ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, પાટણ, જૂનાગઢ, પંચમહાલ, આણંદ, મહેસાણા અને વલસાડમાં ય દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે,ગઇકાલ કરતાં આજે કવોરન્ટાઇનમાં રહેનારાની સંખ્યા ઘટી હતી.આરોગ્ય વિભાગના મતે, અત્યારે ગુજરાતમાં સરકારી-હોમ કવોરન્ટાઇનમાં રહેનારાંની સખ્યા ૪,૪૨ લાખ છે. કોંગ્રેસ જ નહી,અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશને ટેસ્ટના મુદ્દે સવાલો ઉઠાવ્યાં છે ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગે દાવો કર્યો છેકે,અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧,૮૬,૩૬૧ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.