ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગેની રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહ્યું છે. જોકે બિઝનેસ માટે વિશ્વભરમાં જાણીતું ગુજરાત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયની આ યાદીમાં પાંચ સ્થાન ગબડીને છેક દસમાં સ્થાને આવી ગયું છે. આમ ટોપ ટેન રાજ્યોમાં પણ ગુજરાતના સ્થાન અંગે હવે જોખમ ઊભું થયું છે. 2015ની યાદીમાં ગુજરાત ઇંઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોચના સ્થાને હતું અને આંધ્રપ્રદેશ બીજા સ્થાને હતું. 2016માં આંધ્રપ્રદેશ અને તેલંગણા ટોચના બે સ્થાનો રહ્યા હતાં.
આ યાદીમાં ઉત્તરપ્રદેશે 10 સ્થાનનો કુદકો લગાવ્યો છે. 2018માં ઇંઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાર્ષિક યાદીમાં ઉત્તરપ્રદેશ 12માં સ્થાને હતું અને હવે 2019માં બીજા સ્થાને આવી ગયું છે. આની સામે તેલંગણા બીજા ક્રમથી ત્રીજા સ્થાને આવી ગયું છે. આ પછી આ યાદીમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન આવે છે. પશ્ચિમ બંગાળનો ક્રમે નવમો રહ્યો છે. ગુજરાત છેક દસમાં સ્થાને ધકેલાયું છે.
2019માં દિલ્હીનું સ્થાન વધીને 12મું થયું છે, જે 2018ની યાદીમાં 23માં સ્થાને હતું. બિઝનેસ કરવામાં સૌથી વધુ સરળતા અંગેની આ યાદીમાં આસામનો ક્રમ 20મો અને જમ્મુ કાશ્મીરનો ક્રમ 21મો રહ્યો છે. બિહાર 26માં સ્થાને તથા કેરળ 29માં સ્થાને આવ્યું છે. આ યાદી જારી કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે આ યાદીથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બિઝનેસ કરવામાં વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવામાં મદદ મળશે.
કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે સિસ્ટમ અને પ્રોસેસમાં સુધારો કરવાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોનું આ યાદીમાં પ્રતિબિંબ પડે છે. આ યાદીમાં પાછળ ધકેલાયેલા રાજ્યો માટે પણ સાવધ થવાનો સમય છે.