ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 90,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને કુલ આંકડો 41 લાખને વટાવી ગયો છે. રવિવારે 31,80,865 લોકો કોરાનામાંથી રિકવર થયા હતા અને તેનાથી રાષ્ટ્રીય રિકવરી દર 77.32 ટકા રહ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે સવાર સુધીમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 41,13,811 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 70,626 થયો છે. છેલ્લાં 24 કલાકમાં આશરે 1,065 લોકોના મોત થયા હતા.

દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના આશરે 20.96 ટકા છે. ભારતમાં કોરોના વાઇરસની દર્દીની સંખ્યા સાત ઓગસ્ટ 20 લાખનો આંક વટાવ્યો હતો. 23 ઓગસ્ટે આ સંખ્યા 30 લાખ અને હવે પાંચ સપ્ટેમ્બર આ આંક વધીને 40 લાખને પાર કરી ગયો છે.
ICMRના જણાવ્યા અનુસાર પાંચ સપ્ટેમ્બર સુધીમાં 4,88,31,145 સેમ્પલનું કુલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે 10,92,654 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા કુલ લોકોમાંથી 312 મહારાષ્ટ્રના અને 128 કર્ણાટકના છે.