(PTI Photo)

ગુજરાતમાં ૧૨૦ દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૦૦૦૦ સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ આંક ૨૦૦૦ને પાર થઇ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ અત્યાર સુધીના ૮૬૧ સર્વોચ્ચ પોઝિટિવ દર્દીઓના વધારા સાથે કુલ આંક ૩૯૨૮૦ સુધી પહોંચી ગયો છે. જ્યારે સારવાર હેઠળના વધુ ૧૫ દર્દીઓના મૃત્યુ સાથે કુલ આંક ૨૦૧૦ થયો છે. હોટ સ્પોટ અમદાવાદમાં અડધાથી વધારે કેસોનો નાટ્યાત્મક ઘટાડો થઇ ૧૬૨ કેસ નવા ઉમેરાયા છે તો સુરતે અત્યાર સુધીના વિક્રમી ૩૦૭ કેસ મળ્યા છે, એમાં મહાનગરના જ ૨૧૫ કેસ છે જ્યારે ગ્રામ્યના ૯૫ કેસનો સમાવેશ થાય છે.

આ જ રીતે અનુક્રમે ૪ અને ૨ મળી કુલ છ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં ૫ મૃત્યુ ઉમેરાયા છે.આ સિવાય વડોદરા મહાનગરમાં ૪૩ કેસ અને ગ્રામ્યમં ૨૫ કેસ મળી કુલ ૬૮ કેસ મળ્યા છે તો રાજકોટમાં અનુક્રમે ૧૮ અને ૧૨, ભાવનગરમાં ૧૪ અને ૯, જૂનાગઢમાં ૧૨ અને ૭, ગાંધીનગરમાં ૮ અને ૨૪, જામનગરમાં ૭ અને ૪ કેસ નોંધાયા છે. આ સ્થિતિ જોતાં હવે મહાનગરોમાંથી ચેપનું પ્રમાણ નગરો, ગામડાઓમાં પહોંચ્યું છે એમાં હવે ચોમાસાના કારણે સ્થિતિ વધારે વણશી શકે છે, તેવો ભય તબીબો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય જિલ્લાઓમાં જોઇ તો વલસાડમાં ફરીથી ૨૮ કેસ મળ્યા છે તો ભરૂચમાં ૧૯, બનાસકાંઠામાં ૧૮, ખેડા અને મહેસાણા ૧૭-૧૭, નવસારી ૧૬, દાહોદ ૧૩, આણંદ અને બનાસકાંઠા ૧૧-૧૧, સુરેન્દ્રનગર ૧૦, ગીર સોમનાથ ૯, તાપી ૮, બોટાદ ૬, અરવલ્લી, કચ્છ, પાટણમાં ૫-૫, છોટાઉદેપુરમાં ૪, પંચમહાલ ૩, નર્મદા અને પોરબંદરમાં ૧-૧ કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૭૮૨૮ ટેસ્ટથી ૮૬૧ કેસ પોઝિટિવ મળ્યા છે એની સામે ૪૨૯ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જનો આંક ૨૭૭૪૨ થયો છે. જ્યારે કુલ ૪,૪૧,૬૯૨ ટેસ્ટ થકી કુલ ૩૯૨૮૦ પોઝિટિવ કેસ મળ્યા છે એમાંથી ૨૦૧૦ના મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૯૫૨૮ છે એમાંથી ૭૨ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૯૪૫૬ સ્ટેબલ છે.