ગુજરાતમાં કોરોનાની મહામારીનું સંક્ટ હજુય યથાવત રહ્યુ છે.કેસોની સાથે સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે પણ રાજ્ય આરોગ્ય વિભાગનો દાવો છેકે,માત્ર ૧૬ દિવસમાં દર્દીઓના સાજા થવાના દરમાં ૯૨ ટકાનો વધારો નોંધાયો છે.અત્યારે ગુજરાતમાં રિકવરી રેટ વધીને ૪૨.૫૧ ટકા થયો છે. બીજીતરફ, આજે ગુજરાતમાં નવા ૩૬૩ કેસો નોંધાયા હતાં જેથી કુલ કેસોનો આંક વધીને ૧૩,૨૭૩ થયો છે. આ ઉપરાંત કોરોનાના કારણે વધુ ૨૯ દર્દીઓના મૃત્યુ થયા હતાં. હવે ગુજરાતનો કુલ મૃત્યુઆંક ૮૦૦ને પાર થયો છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી પર હજુય અંકુશ મેળવી શકાયો નથી તેમાંય ઉંચો મૃત્યુદર રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આખા ગુજરાતના અડધોઅડધ મૃત્યુ તો અમદાવાદ સિવિલમાં થયાં છે.અત્યાર સુધીમાં ૩૫૧થી વધુના મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે.જોકે,સિવિલ સત્તાધીશોની એવી દલીલી છેકે,ગંભીર કેસ મોડે આવે આવે છે જેના કારણે રિકવરી રેટ ઓછો છે.

ઉંચા મૃત્યુદરને કારણે હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર અને સિવિલ સત્તાવાળાઓને ફટકાર આપી છે.અત્યારે અમદાવાદનો રિકવરી રેટ ૩૮.૧ ટકા થયો છે. અમદાવાદમાં આજે પણ વધુ ૨૬ દર્દીઓના મોત નિપજ્યા હતાં. માત્ર અમદાવાદમાં જ કોરોનાને કારણે ૬૪૫ લોકો મોતને ભેટી ચૂક્યાં છે.

ગુજરાતમાં કુલ ૨૯ દર્દીઓએ હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લીધાં હતાં. કોઇ બિમારી ન હોય અને માત્ર કોરોનાના કારણે ૧૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતાં. જયારે ૧૮ દર્દીઓ એવાં હતાં જેમને કોરોના ઉપરાંત હાઇરિસ્ક બિમારી હતી. ટૂંકમાં આજે પણ ગુજરાતમાં રોજ ૨૦થી વધુ દર્દીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યાં છે.ગાંધીનગરમાં ૨ અને ખેડામાં ૧ દર્દીનુ મોત નિપજ્યુ હતું. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને ૮૦૨ થયો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં નવા ૨૭૫ કેસો નોંધાયા હતાં. શહેરમાં પૂર્વની સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં ય કોરોનાના કેસો વધી રહ્યાં છે.સંપૂર્ણ લોકડાઉન છતાંય અમદાવાદમાં હજુય કોરોના પર અંકુશ મેળવી શકાયો નથી.અત્યાર સુધીમાં અમદાવાદમાં સૌથી વધુ ૯૭૨૪ કેસો નોંધાઇ ચૂક્યાં છે.અમદાવાદ હવે ૧૦ હજારના આંકડાને પાર કરવાની તૈયારીમાં છે.આ તરફ,સુરતમાં પણ ૨૯ કેસો નોંધાયા હતાં.

દેશમાં કોરોના સંક્રમિત ટોપ ટેન શહેરોમાં ગુજરાતના બે શહેર અમદાવાદ અને સુરતનો સમાવેશ થયો છે. આજે વડોદરામાં ૨૧,સાબરકાંઠામાં ૧૧, સુરેન્દ્રનગરમાં ૫,ગીર સોમનાથમાં ૪,ખેડામાં ૩,ગાંધીનગરમાં ૩,કચ્છમાં ૩,જૂનાગઢમાં ૩,આણંદમાં ૨,મહેસાણામાં ૨,રાજકોટમાં ૧ અને વલસાડમાં ૧ કેસ નોંધાયો હતો.હાલમાં ગુજરાતમાં ૬૫૯૧ એક્ટિવ કેસ છે. ગુજરાતમાં રિકવરી રેટ વધ્યો છે. તા.૫મીમેના રોજ ગુજરાતનો રિકવરી રેટ ૨૨.૧૧ હતો જે વધીને હવે ૪૨.૫૧ ટકા થયો છે.એટલે રિકવરી રેટમાં ૯૨ ટકાનો વધારો થયો હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.

આજે વધુ ૩૯૨ જણાં સ્વસ્થ થયા હતાં જેથી બધાયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં ગુજરાતમાં૫૮૮૦ લોકો કોરોના સામેનો જંગ જીતી ચૂક્યાં છે. જોકે,છેલ્લા બે દિવસથી કવોરન્ટાઇનમાં રહેતા લોકોની સંખ્યામાં ય ઘટાડો થયોછે. અત્યારે ૪.૩૧ લાખ લોકો સરકારી-હોમ કવોરન્ટાઇન કરાયાં છે. નોંધ લેવા જેવી વાત તો એછેકે, કોરોનાની હેલ્પલાઇન નંબર ૧૦૪ પર જ અત્યાર સુધીમાં ૧,૧૩,૩૧૧ ફોન કોલ્સ આવી ચૂક્યાં છે. રાજ્ય આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં ૧,૭૨,૫૬૨ ટેસ્ટ કર્યાં છે.