દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 125101 કેસ નોંધાયા છે જેમાંથી 51784 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં 137 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3720 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 69597 એક્ટિવ કેસ છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.39 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6654 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 125101 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3250 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે 1517 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 14753 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 98 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ ગુજરાતમાં 13268 લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી 802 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 12319, રાજસ્થાનમાં 6494, મધ્યપ્રદેશમાં 6170 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 5735 કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 52.11 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.

ભારતમાં વધતા જતા કોરોનાના કેસને કારણે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કોરોના વાયરસના એક્ટિવ કેસના મામલામાં ભારત ઈટાલી અને સ્પેન જેવા દેશોની આગળ નીકળી ગયો છે. કોરોના વાયરસના સૌથી વધારે એક્ટિવ કેસની યાદીમાં ભારત હવે અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ફ્રાન્સ બાદ પાંચમાં ક્રમાંક પર પહોંચી ગયો છે.