દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાના કેસોનો જાણે કે વિસ્ફોટ થયો છે. રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા માંડતા રાજ્ય સરકારે ગયા વીક એન્ડમાં અમદાવાદમાં સળંગ 57 કલાકનો કરફ્યૂ લાદી દીધો હતો. સોમવારે, 23 નવેમ્બરે સવારે આ કરફ્યૂનો અંત આવ્યા બાદ અમદવાદમાં અનિશ્ચિત મુદત સુધી રાત્રે 9થી સવારે 6 સુધીનો નાઇટ કરફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદની જેમ જ ગુજરાતના અન્ય ત્રણ મહાનગરો – સુરત, વડોદરા અને રાજકોટમાં પણ ગયા શુક્રવારની રાતથી અનિશ્ચિત મુદત માટે નાઇટ કરફ્યૂ જાહેર કરાયો છે.

દિવાળીની રજાઓ દરમિયાન સામાન્ય રીતે ઠેકઠેકાણે ફટાકડાના અવાજ સંભળાતા હોય છે. પરંતુ કોરોના વાયરસને પગલે અનેક વિસ્તારોમાં ફટાકડાના નહીં પણ એમ્બ્યુલન્સની સાયરનના અવાજ વધુ સંભળાઇ રહ્યા હતા. ગુજરાત અને અમદાવાદમાં શનિવારે, 21 નવેમ્બરે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ કેસનો રેકોર્ડ નોંધાયો હતો. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના સૌથી વધુ 1,515 કેસ નોંધાયા હતા, જે 23 માર્ચ પછી દૈનિક ધોરણે સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કોરોનાએ 1,500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.

આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13,285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 3,846 થયો હતો. છેલ્લા 24 કલાકની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

કોરોનાના કેસને મામલે અમદાવાદ શહેર ફરી ગુજરાતમાં એપીસેન્ટર બની ચૂક્યું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 46,968 થયો છે. સુરતમાં પણ દિવાળીના તહેવારો બાદ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

અમદાવાદમાં કરફ્યૂ: ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે ઉમટેલી ભીડ પર નિયંત્રણ મૂકવાનું ચૂકી ગયેલી સરકારે આખરે શહેરમાં કોરોના વાઈરસના કેસનું સંક્રમણ વિક્રમ સંવતના નવા વર્ષે જ વધી જતા આખરે આગેતરાં પગલાંના ભાગ રૂપે લોકોને આગોતરી તૈયારીઓ કરવાની તક આપ્યા વગર શુક્રવારની રાતના નવ વાગ્યાથી સોમવારના સવારના છ વાગ્યા સુધીનો સળંગ વીકએન્ડ કરફ્યૂ લાદી દેતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદની તમામ બજારો અને વેપાર ધંધા પર નિયંત્રણો લદાઇ ગયાં હતા. બીજી બાજુ અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કોરોના કરફ્યૂની ભીતિને પગલે લોકોમાં ભારે અજંપો ફેલાયો હતો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બજારમાં ઊમટી પડયા હતા. જોકે, રાજ્યમાં અચાનક કરફ્યૂના નિર્ણયથી લોકડાઉનની પણ અફવા શરૂ થઇ હતી જેને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેને અફવા ગણાવીને આવું કોઇ આયોજન નહીં હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી.

અમદાવાદમાં સળંગ બે રાત અને બે દિવસના કરફ્યૂને પગલે શુક્રવારે સાંજથી પોલીસ અને તંત્ર હરકતમાં આવી ગયું હતું, જ્યારે કેટલીક પરીક્ષાઓ અને કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. દરિમયાન અમદાવાદમાં શુક્રવારની રાતથી જ રાજ્યભરમાંથી આવતી તમામ એસ.ટી. બસોના પ્રવેશ પર પ્રતિબંધો લાદવામાં આવ્યો હતો, જ્યારે વીકેન્ડ કરફ્યૂને કારણે અમદાવાદ લોકલ ત્રણ દરવાજા માર્કેટ બંધ કરાવવામાં આવ્યું હતું. દિવાળી અને બેસતા વર્ષની ખરીદી દરમિયાન માધ્યમોમાં પોતાની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરાના કારણે છવાયેલું રહેલું માર્કેટ હવે બંધ કરાવવામાં આવ્યું હતુ. અમદાવાદમાં હવે સ્થિતિ ખૂબ જ સ્ફોટક થઇ ચૂકી છે. ત્યારે ડોક્ટર્સ પોતાની ફરજમાંથી પાછા હટી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ૯૨૫ બોન્ડેડ એમબીબીએસ ડોક્ટરોને હાજર કરવા માટેનો આદેશ આપ્યો હતો.

દરમિયાન કરફ્યૂ લાગુ કર્યા બાદ હવે બસોની અવરજવર પર બ્રેક લાગી હતી. અમદાવાદથી આવતી જતી તમામ એસટી બસોના રૂટ બંધ કરવાનો વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો હતો. રાજકોટ અને વડોદરાથી અમદાવાદ આવતી બસો પર બ્રેક મૂકાયો હતો.
અમદાવાદમાં માસ્ક ન પહેરનાર સામે કડક પગલાં: અમદાવાદ શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાયા હતા. અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ મોકલાયા હતા અને નેગેટિવ આવે તો એક હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં કર્ફ્યુના નિર્ણયની વર્તાઇ અસર, લોકો ખરીદી માટે ઉમટ્યા: અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુના નિર્ણયની અસર વર્તાઇ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી અને સોશ્યલ ડિસ્ટસીંગના લીરે લીરા ઉડી રહ્યા છે.શાકભાજીના અનેક વેપારીએ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા હતા. નિર્ધારિત ભાવ કરતાં વધારે ભાવથી શાકભાજીનું વેચાણ કર્યું હતું. નાગરીકો ડરના પગલે શાકભાજીનો સ્ટોક કરવા લાગ્યા હતા.

અમદાવાદ કાલુપુર શાકમાર્કેટમાં સવારથી જ લોકોની ભીડ એકઠી થઈ હતી. અહીં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતાં. સવારથી જ લોકો કરીયાણું સહિતની વસ્તુઓ લેવા માટે નીકળી પડ્યાં છે. શહેરમાં કર્ફ્યુ લંબાશે તેવા ડરના કારણે જોધપુર સહિતના વિસ્તારોમાં પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોની લાઈનો લાગી છે.

અમદાવાદમાં વીકએન્ડ કરફ્યૂથી 1700 લગ્નોને અસર: અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરવામાં આવેલા સંપૂર્ણ કરફ્યૂને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. રવિવારથી લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે લોકડાઉન કરવામાં આવતા શહેરમાં જ માત્ર ૧૭૦૦ લગ્નો પર કરફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતા જ ફરી કરફ્યૂ અને નાઈટ કરફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય આઠ મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે ૫૦૦ અને રવિવારે ૧૨૦૦ એમ કુલ ૧૭૦૦ લગ્નના બુકિંગ છે જે રદ કરવા પડ્યા હતી. અનેક લોકોને ત્યાં આજે મહેમાનો પણ બહાર ગામથી આવી ગયા અને પાર્ટીપ્લોટ બુકિંગ થઈ ગયા છે ત્યારે કરફ્યૂ લાગતાં લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યોં છે.

કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય સરકારે આખરે ગુરુવારે મોકૂફ રાખ્યો હતો.. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ અંગે નવી તારીખ નક્કી કરવાની હાલ કોઈ યોજના નથી.