ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે.

સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.

ગૃહમંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઈડલાઈનના કારણે રાજ્યભરના દુકાનદારો અને શોરૂમના માલિકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે. દુકાનદારો દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં આવેલા તમામ દુકાનદારો મૂંઝવણમાં છે. બીજી બાજુ પોલીસને પણ હજુ પૂરતી માહિતી ન હોવાથી બહાર નીકળતા દુકાનદારોને પોલીસ રોકી રહી છે.

રાજ્યમાં શુક્રવારે 191 નવા પોઝિટિવ કેસ નોઁધાયા હતા આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2817 થઇ હતી જ્યારે વધુ 15 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.

શુક્રવારે સાંજની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજયમાં માત્ર 1,438 ટેસ્ટ થયા હોવાનું સરકારના આંકડાઓ પર જણાય છે. ગુરુવારે સાંજની સ્થિતિએ રાજયમાં કુલ 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સંખ્યા શુક્રવારે 43,822ની જાહેર કરાઇ હતી. એટલે 43,822 માંથી 42,384 બાદ કરતાં 1438 ટેસ્ટ થયા હોવાનું સત્તાવાર ચિત્ર સામે આવ્યું છે.

આ સાથે ગુજરાતમાં અમદાવાદના 14 અને સૂરતના 1 મળીને કુલ 15 લોકો મૃત્યુ પામ્યા છે અને આ સાથે ગુજરાતમાં કુલ 127 લોકો કોરોનાના ભોગ બન્યા છે. જ્યારે 29 લોકો વેન્ટિલેટર પર છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.