ગુજરાતમાં કોરોનાની સ્થિતી હજુય ચિંતાજનક બની રહી છે.વધતાં કેસો અને ઉંચા મૃત્યુદરને કારણે રાજ્ય સરકારે ટોચના આઇએસ અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.એટલું જ નહીં,અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવા માઇક્રો પ્લાનિંગ ઘડાયુ છે.જોકે,છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વધુ 388 કેસો નોધાયા હતાં જેના કારણે કુલ કેસોનો આંક 7 હજારને વટાવી ચૂક્યો છે.

આજે પણ અમદાવાદમાં 275 કેસો નોંધાયા હતાં. સંપૂર્ણ લોકડાઉનને કારણે કેસોની સંખ્યામાં આંશિક ઘટાડો નોંધાયો હતો પણ મોતનો સિલસીલો યથાવત રહ્યો હતો. રાજ્યમાં કોરોનાએ વધુ 29 દર્દીનો ભોગ લીધો હતો પરિણામે રાજ્યનો મૃત્યુઆંક વધીને 425 સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાનો કેર હજુય જારી રહ્યોછે તેમાં ય અમદાવાદમાં તો વધુ વિકટ પરિસ્થિતી સર્જાઇ છે.કેસો જ નહીં,મૃત્યુદર વધતાં શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.રેડ ઝોનમાં પેરા મિલિટરી ફોર્સ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અત્યારે તો શહેરના દસ રેડ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરીને કોરાનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.શાકભાજી,ફ્રુટ,કરિયાણાવાળાનુ દિવસભર સ્ક્રીનીંગ કરવામાં આવી રહયુ છે.

શહેરમાં ખાનગી કલિનીકો-હોસ્પિટલો શરુ ન કરનારાં 228 ડોક્ટરોને નોટિસો ફટકારવામાં આવી છે.દરેક ઝોનવાઇઝ સ્ટ્રેટેજી ઘડીને કોરોનાને અંકુશમાં ેલેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 275 કેસો નોંધાયા હતાં.ગઇકાલની સરખામણીમાં કેસોમાં આંશિક ઘટાડો થયો હતો.અમદાવાદ ઉપરાંત અરવલ્લીમાં 25,ભાવનગરમાં 1,દાહોદમાં 4,દેવભૂમિ દ્વારકામાં 1,ગાંધીનગરમાં 5, જામનગરમાં 4,ખેડામાં 3,રાજકોટમાં 2,સુરતમાં 45,વડોદરામાં 19,બનાસકાંઠામાં 3 એમ કુલ મળીને 388 કેસો નોંધાયા હતાં. જોકે,રાજ્ય આરોગ્ય વિભાગે રાજસ્થાનનો એક કેસ પણ ગુજરાતના કુલ કેસોમાં નોંધતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

ગુજરાતમાં કોરોનાના કેસો કરતાં મૃત્યુદર રોકેટગતિ વધી રહ્યો છે.આજે સતત છઠ્ઠા દિવસે પણ અમદાવાદમાં મોતનો સિલસીલો જારી રહ્યો હતો.અમદાવાદમાં વધુ 23 દર્દીઓના કોરોનાના કારણે મોતને ભેટયાં હતાં જેમાં 13 પુરુષો અને 10 મહિલા દર્દીનો સમાવેશ થાય છે.સોથી ચોંકાવનારી વાત એછેેકે,અમદાવાદ સિવિલમાં 188 દર્દીઓના મોત થયાં છે.આ પરથી હવે સિવિલમાં સારવાર માટે આંગળી ચિંધાઇ છે.રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, 12 દર્દીઓનુ કોરોનાના કારણે મૃત્યુ થયુ હતુ જયારે 17 દર્દીઓ હૃદયરોગ,ડાયાબિટીસ સહિતની ગંભીર બિમારી ઉપરાંત કોરોનાને લીધે મોતને ભેટયા હતાં.

દર્દીઓના મૃત્યુ થતાં હવે રાજય સરકારે ખાનગી ડોકટરોને સિવિલ દોડાવ્યાં છે.એટલું જ નહીં, દિલ્હીના ત્રણ નિષ્ણાત તબીબોને અમદાવાદ મોકલવા કેન્દ્રને પત્ર લખવામાં આવ્યો છે.સિવિલમાં કાર્યરત ડોકટરો સતત એઇમ્સના કંટ્રોલરુમ સાથે સંપર્કમાં છે. ઉંચા મૃત્યુદરને ઘટાડવા રાજ્ય સરકારે નિષ્ણાત તબીબો સાથે પણ બેઠકોનો દોર શરુ કર્યો છે.અમદાવાદ ઉપરાંત બનાસકાંઠામાં 1,મહેસાણામાં 1 અને સુરતમાં 4 દર્દીઓના મૃત્યુ થયા હતાં.હાલમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાંછે જયારે 4853 દર્દીઓની તબિયત સ્થિર છે.

રાજ્યમાં કુલ 209 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો તેમાં અમદાવાદમાં 108 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયાં હતાં.આણંદમાં5,બનાસકાંઠામાં 8,ભરુચમાં 3, છોટાઉદેપુરમાં1, ગાંધીનગરમાં પ, પાટણમાં 1, સુરતમાં 51 અને વડોદરામાં 29 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1709 લોકો સાજા થયાં છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે આરોગ્ય વિભાગે લક્ષણ ન હોય તેવા દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવા નક્કી કર્યુ છે.અત્યારે 66,861 લોકોને સરકારી-હોમ કવોરન્ટાઇન કરાયાં છે.