ફાઇલ ફોટો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (સેન્ટર), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (ડાબી બાજુ) અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિજયનો સંકેત આપ્યો હતો. (PTI Photo)

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપની વિજય થતાં ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ સર્જાયો હતો, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. મોરબી, અબડાસા, ગઢડા, કરજણ અને લીંબડી, ધારી, કપરાડા અને ડાંગ બેઠક એમ તમામ બેઠક પર ભાજપનો વિજય હતો.

આ આઠ બેઠકો પર ભાજપને સરેરાશ 55 ટકા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા છે. આ બેઠકો પર સરેરાશ 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને મળ્યા હતા, જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા છે.

અબડાસાની બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાનો કોંગ્રેસના ડો શાંતિલાલ સેંઘાણી સામે 36,778 મતથી વિજય થયો હતો.. વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલને 76,831 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાને 60,422 મત મળ્યા હતા. જેથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 16,409 મતથી વિજય થયા હતા.

મોરબીની બેઠક પર બ્રિજેશ મેરજાએ તેમના કોંગ્રેસના હરીફ જયંતિલાલ જયરાજભાઇ પટેલ પરાજય આપ્યો હતો. ગઢડાની બેઠક પર ભાજપના આત્મારામ પરમાર તેમના હરીફ મોહન સોલંકીને પરાજય આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડીની બેઠક ભાજના કિરીટસિંહ રાણાએ તેમના કોંગ્રેસના હરીફ ચેતન ખાચરને પરાજય આપ્યો હતો. ધારીની બેઠક પર ભાજપના જે વી કાકડિયાએ કોંગ્રેસના હરીફ સુરેશ કોટડિયા હરાવ્યા હતા. કપરાડાની બેઠક પર ભાજપના જીતુ ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠાને પરાજય આપ્યો હતો. ડાંગની બેઠક પર વિજય પટેલ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતને હરાવ્યા હતા.

આ ચૂંટણી રસપ્રદ એટલાં માટે હતી કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતા અને ભાજપમાં જોડાઈ ગયા અને એટલે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે આ પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે. અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા – આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા