આ વર્ષના અંતમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગમાં મોટાપાયે જિલ્લા પોલીસ વડા સમકક્ષના આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી અંગે ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. શનિવારે ગૃહ વિભાગે કુલ 57 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે અને 20 Dy. SPને SP તરીકે બઢતી આપવામાં આવી છે. ખાસ તો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લા પોલીસ વડાની બદલીના આદેશ કર્યા છે. તેમાં રાજકોટ, વડોદરા, તાપી, ભરૂચ, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, પંચમહાલ, ભાવનગર, સુરત, મહેસાણા, કચ્છ પૂર્વ, પાટણ, મોરબી, ગાંધીનગર, ગીર સોમનાથ, નર્મદા, અને બોટાદ જિલ્લાના પોલીસ વડાનો સમાવેશ થાય છે.