ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા ચાર ત્રાસવાદીઓની બુધવારે ધરપકડ કરી હતી.
આતંકવાદ વિરોધી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ગુજરાત ATSએ AQIS સાથે સંકળાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ચાર ત્રાસવાદીઓની ધરપકડ કરી છે. 2023માં શહેરના વિવિધ ભાગોમાંથી ચાર બાંગ્લાદેશી નાગરિકોની એક જ આતંકવાદી સંગઠન સાથે જોડાણ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી આરોપીઓ મોહમ્મદ ફૈક, મોહમ્મદ ફરદીન, સેફુલ્લાહ કુરેશી અને ઝીશાન અલી અલ-કાયદાની વિચારધારા ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને શંકાસ્પદ એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હતાં. તેઓએ તેમના કોમ્યુનિકેશન ફૂટપ્રિન્ટના કોઈપણ નિશાનને દૂર કરવા માટે ઓટો-ડિલીટ એપ્સનો ઉપયોગ કર્યો હતો. ચારેયની પૂછપરછ ચાલુ કરાઈ હતી. ગુજરાત એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ લાંબા સમયથી આતંકવાદી જૂથ સાથે સંકળાયેલા છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલ-કાયદાના સંપર્કમાં આવ્યા હતાં. ગુજરાત એટીએસે કહ્યું હતું કે તેઓ ચેટ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું વિશ્લેષણ કરી રહ્યા છે.
ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ છે. વોટ્સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઈ શકે છે.
