(ANI Photo/Rahul Singh)

ગુજરાતે દિલ્હીને 10 વિકેટે હરાવી રેકોર્ડ કર્યો
ગુજરાત ટાઈટન્સે રવિવારે (18 મે) દિલ્હીમાં દિલ્હીને 10 વિકેટે હરાવી આઈપીએલનો એક નવો જ રેકોર્ડ કર્યો હતો અને તે સાથે પ્લેઓફ્સમાં પોતાનું તેમજ પંજાબ અને બેંગલોરનું સ્થાન પણ નિશ્ચિત કર્યું હતું. હવે બાકી રહેલી એક જગ્યા માટે મુંબઈ, દિલ્હી અને લખનઉ વચ્ચે સ્પર્ધા રહેશે.

રવિવારની બીજી મેચમાં ગુજરાતના સુકાની શુભમન ગિલે ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. દિલ્હીએ ત્રણ વિકેટે 199 રનનો થોડો પડકારજનક તો કહી જ શકાય તેવો સ્કોર કર્યો હતો. ઓપનર કે. એલ. રાહુલે અણનમ 112 ફક્ત 65 બોલમાં કર્યા હતા, જેમાં ચાર છગ્ગા અને 14 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. બાકીને બેટર્સ ખાસ સફળ રહ્યા નહોતા. ગુજરાત તરફથી અર્શદ ખાન બે ઓવરમાં ફક્ત 7 રન આપી એક વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો હતો, તો કાગિસો રબાડા બે ઓવરમાં 34 રન આપી સૌથી મોંઘા સાબિત થયો હતો. પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઈ કિશોરે પણ એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં ગુજરાતના ઓપનર્સ – સાઈ સુદર્શન અને સુકાની શુભમન ગિલે દિલ્હીના બોલર્સની બરાબર ધોલાઈ કરી હતી અને એકપણ વિકેટ ગુમાવ્યા વિના, એક ઓવર બાકી હતી ત્યારે 19 ઓવર્સમાં 205 રન કરી 10 વિકેટે વિજયનો નવો રેકોર્ડ કર્યો હતો. સાઈ કિશોરે 61 બોલમાં ચાર છગ્ગા અને 12 ચોગ્ગા સાથે અણનમ 108 કર્યા હતા, તો સુકાની શુભમને 53 બોલમાં સાત છગ્ગા તથા 3 ચોગ્ગા સાથે અણનમ 93 રન કર્યા હતા. દિલ્હી તરફથી મુસ્તફિઝુર રહેમાન 3 ઓવરમાં ફક્ત 24 રન આપી સૌથી કરકસરયુક્ત સાબિત થયો હતો, તો ટી. નટરાજન 3 ઓવરમાં 49 રન આપી સૌથી મોંઘો રહ્યો હતો.

200 અને તેથી વધુ રનના હાઈ સ્કોરિંગ મેચમાં ચેઝ કરતી ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ હાંસલ કર્યાનો આ પહેલો રેકોર્ડ ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો છે.

સાઈ સુદર્શન દેખિતી રીતે પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો હતો. તેણે આઈપીએલ કેરિયરમાં 37 મેચમાં બે સદી અને 11 અડધી સદી કરી છે. તો ગિલના અણનમ 93 તેનો આ વર્ષનો સૌથી વધુ સ્કોર રહ્યો હતો. તેણે આ વર્ષે 12 મેચમાં છ અડદી સદી નોંધાવી છે.

એકાદ સપ્તાહના વિક્ષેપ પછી શનિવારથી ફરી શરૂ થયેલી આઈપીએલમાં શનિવારે બેંગલોરમાં બેંગલોર અને કોલકાતા વચ્ચેની મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના ધોવાઈ ગઈ હતી. તો રવિવારની પ્રથમ મેચમાં પંજાબે રાજસ્થાનને 10 રને હરાવ્યું હતું. પંજાબે પાંચ વિકેટે 219 રન કર્યા હતા, તો રાજસ્થાન 7 વિકેટે 209 સુધી જ પહોંચી શક્યું હતું.

LEAVE A REPLY