અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પરની જંગી ટેરિફ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે તેની નાણાનીતિની સમીક્ષામાં વ્યાજદરને સ્થિર રાખ્યાં હતાં. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાનીમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટ 5.5 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો. આ ઉપરાંત નાણા નીતિને વલણને પણ ન્યુટ્રલ રાખવાનો નિર્ણય કરાયો હતો.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે ચોમાસું સારી રીતે આગળ ધપી રહ્યું છે અને તહેવારોની સિઝન નજીક આવી ગઈ છે ત્યારે અર્થતંત્રને ગતિ મળશે. વૈશ્વિક વ્યાપાર પડકારો વધુ સમય લંબાશે. બદલાતા વિશ્વમાં ભારતનું અર્થતંત્ર તેજસ્વી તારલા જેવું છે. ફન્ડામેન્ટલ મજબૂત છે અને ફોરેક્સ રિઝર્વ પણ ઘણું સારું છે.
ટ્રમ્પની ટેરિફનો દેખિતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જે સાહસ કરશે તેમના માટે તક છે અને સાનુકૂળ માહોલ સર્જવા માટે આરબીઆઈ શક્ય તમામ પગલાં લઈ રહી છે.
આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકા યથાવત્ રાખ્યો હતો. બીજી તરફ રિટેલ ફુગાવાનો અંદાજ ઘટાડીને 3.1 ટકા કર્યો હતો, જે અગાઉ જૂનની પોલિસી બેઠક વખતે 3.7 ટકા આપ્યો હતો. અગાઉ આરબીઆઈએ ત્રણ પોલિસી મીટિંગમાં રેપો રેટમાં એક ટકાનો મોટો ઘટાડો કર્યો હતો.
ફુગાવા અંગે તેમણે કહ્યું કે જૂનમાં રિટેલ ફુગાવાનો દર સતત 77મા મહિને ઘટીને 2.1% રહ્યો હતો, જે મુખ્યત્વે ખાદ્યચીજોમાં ઘટાડાને કારણે જોવાયો હતો. ચાલુ વર્ષે રિટેલ ફુગાવાનો દર સરેરાશ 3.1% રહેવાનો અંદાજ છે. Q1માં 4.9%, Q2માં 2.1%, Q3માં 3.1% અને Q4માં 4.4 ટકાનો અંદાજ છે.
