પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ સ્કૂલોમાં ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત છે. કોરોના કારણે વિદ્યાર્થીઓ માટે શાળાઓ માર્ચથી બંધ છે, પરંતુ શિક્ષકો માટે હોમ લર્નિંગ અને ઓનલાઈન શિક્ષણની કામગીરી હોવાથી તેઓને વેકેશન આપવુ જરૂરી હોવાથી સરકાર સમક્ષ દરખાસ્ત મુકાઈ હતી. સરકારે વેકેશનની મંજૂરી આપતા ગુજરાત બોર્ડે 20 ઓક્ટોબરે તમામ ડીઈઓને પરિપત્ર કરીને વેકેશન નિયત કરવા સ્પષ્ટતા કરી હતી.

સામાન્ય રીતે દર વર્ષે બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા નવુ શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરાય છે અને તેમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ માટે ૨૧ દિવસ વેકેશન નક્કી કરાય છે. સામાન્ય રીતે દિવાળીના ત્રણ -ચાર દિવસ પહેલા દિવાળી વેકેશન પડતુ હોય છે અને દિવાળી પછીના ૧૫થી ૧૭ દિવસ સાથે એટલે કે દેવ દિવાળી સુધી ૨૧ દિવસનું વેકેશન અપાય છે. જોકે કોરોના મહામારીને કારણે આ વર્ષે બોર્ડે શિક્ષકો માટે દિવાળી વેકેશનની પેટર્ન બદલી છે અને જે મુજબ દિવાળીના ૧૬ દિવસ પહેલાની તારીખથી એટલે કે ૨૯મી ઓક્ટોબરથી વેકેશન અપાયુ છે જ્યારે દિવાળી પછીના માત્ર ચાર દિવસ એટલે કે ૧૮મી નવેમ્બર સુધી ૨૧ દિવસ વેકેશન અપાયુ છે. દિવાળી પછી માત્ર ચાર દિવસ અપાયા છે ત્યારે સરકારે હવે દિવાળીના થોડા દિવસ બાદથી ધો.૯થી૧૨માં સ્કૂલો ખોલવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.