ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B કેપ વિઝા માટે ‘વેઇટેડ સિલેક્સન પ્રોસેસ’નો અમલ કરવાના માટેનો નવા નિયમો ટૂંકસમયમાં જાહેર કરી તેવી શક્યતા છે. વિદેશી લાભાર્થી એટલે કે અમેરિકન કંપનીઓ દ્વારા H-1B વિઝા માટે પ્રાયોજિત વ્યક્તિને આપવામાં આવતા પગારના આધારે વેઇટેજ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(DHS)એ તાજેતરમાં સૂચિત નિયમ વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સમીક્ષા માટે મોકલી આપ્યો હતો. આ નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થશે, જેનાથી અંતિમ નિયમના અમલીકરણની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયામાં ઘણા મહિના લાગી શકે છે કારણ કે તેમાં જાહેર અભિપ્રાય આમંત્રિત કરવા અને સમીક્ષા કરવા માટે એક બારી ખુલ્લી રાખવાનો પણ સમાવેશ થાય છે.
આ નવી પ્રક્રિયા એચ-1બીના ટોચમર્યાદા પછીના વિઝામાં લાગુ કરાશે તથા લોટરી સિસ્ટમ રદ કરી વેઈટેજ સિસ્ટમ લાગુ કરાય તેવી સંભાવના છે. એચ1બી વિઝા પ્રોગ્રામ અમેરિકન કંપનીઓ ખાસ કરીને આઈટી ક્ષેત્રની કંપનીઓ માટે અત્યંત મહત્વનો છે. આ વિઝા થકી તેઓ ઉચ્ચ કુશળતા ધરાવતાં આઈટી પ્રોફેશ્નલ્સની ભરતી કરે છે, જેમાં ભારતીય પ્રોફેશ્નલ્સનો હિસ્સો ઘણો નોંધપાત્ર છે. એચ1બી વિઝાની પ્રક્રિયામાં થનારા કોઈ પણ ફેરફારથી ભારતીયોને સૌથી વધુ અસર થશે.
વર્ષ 2026ના વર્ષ માટે પૂરતી અરજીઓ સબમિટ થઈ હોવાનું જાહેર કરી USCISએ શુક્રવારે પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી હતી, જેનો અર્થ કે નાણાં વર્ષ 2026માં લોટરી પ્રક્રિયા નહીં યોજાય.
વર્તમાન પદ્ધતિ અનુસાર, દર વર્ષે વિઝા જારી કરવાની સંખ્યાની ટોચમર્યાદાને આધારે રેન્ડમ લોટરીની પ્રક્રિયા હાથ ધરાય છે. લોટરી પછી જે કંપનીઓ કે નોકરીદાતાઓનું નામ તેમાં હોય તેઓ શ્રમિકો કે કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે અરજી કરે છે. ત્યારબાદ આ કર્મચારીઓ તેમની કંપનીમાં ભરતી થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડીએચએસે રેન્ડમ લોટરીના સ્થાને પદ માટે ઓફર કરવામાં આવતાં વેતનને આધારે પસંદગીની પ્રક્રિયા રજૂ કરી હતી. જેથી કંપનીઓ તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓછું વેતન ધરાવતાં વિદેશી શ્રમિકોને સ્થાને વધુ કુશળતા ધરાવતાં શ્રમિકોની ભરતી કરી શકે. જોકે પાછળથી 2021માં બાઈડેન વહીવટતંત્રએ આ પ્રક્રિયાને રદ્દ કરી હતી.
કોઈ કંપની કે અરજદારને કોઈ પણ પ્રકારની તરફેણનો લાભ ના થાય તે માટે લોટરી સિસ્ટમ લાગુ કરાઈ હતી. જોકે તેમાં પણ મોટી કંપનીઓ વધુ વિઝા માટે અરજી કરી શકે છે અને તેમને વધુ એચ1બી વિઝા જારી પણ કરાય છે. જાન્યુઆરીમાં અમેરિકાની ધ ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્રોગેસ નામની થિન્ક ટેન્કે એચ1બી વિઝા માટેની લોટરી સિસ્ટમ દૂર કરવાનો વિચાર રજૂ કર્યો હતો.
