યુકેની મુલાકાત
FILE PHOTO (Photo by STEFAN ROUSSEAU/POOL/AFP via Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર, 23 જુલાઇએ યુકે અને માલદીવની ચાર દિવસની મુલાકાતે રવાના થયા હતાં અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી બંને દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બનશે. યુકેની મુલાકાત દરમિયાન 24 જુલાઇએ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે.

વડાપ્રધાન મોદી યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મર અને કિંગ્સ ચાર્લ્સ ત્રીજાને પણ મળશે. આ અગાઉ મોદીની કેબિનેટે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ પ્રધાનમંત્રી સાથે રહેશે. આ કરાર, જેને સત્તાવાર રીતે વ્યાપક આર્થિક અને વેપાર કરાર નામ આપવામાં આવ્યું છે. મોદી તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં 23થી 24 જુલાઈ દરમિયાન યુકેની મુલાકાત લેશે.

ભારતથી રવાના થતાં પહેલા મોદીએ કહ્યું કે ભારત અને યુનાઇટેડ કિંગડમ એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.બંને દેશો વચ્ચેનો સહયોગ વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, શિક્ષણ, સંશોધન, આરોગ્ય અને લોકો-થી-લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સાથેની મારી મુલાકાત દરમિયાન, બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આપણી આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક મળશે.

ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર માટેની વાટાઘાટો 6મેએ પૂરી થઈ હોવાની બંને દેશોએ જાહેરાત કરી હતી. એકવાર FTA પર હસ્તાક્ષર થઈ ગયા પછી, તેને અમલમાં મૂકતા પહેલા બ્રિટિશ સંસદ અને ભારતની કેબિનેટની મંજૂરી લેવી પડશે. આ કરારનો અમલ કરવામાં આશરે એક વર્ષનો સમય લાગવાની ધારણા છે.

એફટીએની મુખ્ય જોગવાઈઓ

આ કરારથી ભારતની 99 ટકા નિકાસને ટેરિફમાં રાહત મળી શકે છે. બીજી તરફ બ્રિટિશ કંપનીઓ માટે ભારતમાં વ્હિસ્કી, કાર અને અન્ય પ્રોડક્ટ્સની નિકાસ કરવાનું સરળ બનશે.

વેપાર કરારનો હેતુ ઉદાર બજાર પ્રવેશ અને વેપાર નિયંત્રણો હળવા કરી 2040 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડ ($34 બિલિયન)નો વધારો કરવાનો લક્ષ્યાંક છે. 2024માં બંને દેશો વચ્ચે કુલ 42.6 બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો. ભારત બ્રિટનનો 11મો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે.

આ કરારમાં વ્હિસ્કી, એડવાન્સ્ડ મેન્યુફેક્ટરિંગ પાર્ટસ તથા લેમ્બ, સૅલ્મોન, ચોકલેટ અને બિસ્કિટ જેવી ફૂડ પ્રોડક્ટ્સની આયાત જકાતમાં ઘટાડો કરવાની જોગવાઈ છે. તેમાં ઓટો આયાત માટે બંને બાજુના ક્વોટા માટે પણ સંમતિ સધાઈ છે.

ભારત વ્હિસ્કી અને તબીબી ઉપકરણોથી લઈને મશીનરી અને ઘેટાંના માંસ સહિતની બ્રિટિશ પ્રોડક્ટ્સ પરની ટેરિફમાં ઘટાડો કરશે. વ્હિસ્કી અને જિન પરની ટેરિફ 150%થી ઘટાડી 75% કરવામાં આવશે, અને પછી કરારના દસમા વર્ષ સુધીમાં તે ઘટીને 40% થશે, જેનાથી બ્રિટનના સ્કોચ વ્હિસ્કી ઉદ્યોગને ફાયદો થશે અને વિશ્વના સૌથી મોટા વ્હિસ્કી બજારમાં આ બેવરેજ સસ્તું થશે.

ભારત ક્વોટા હેઠળ ઓટોમોટિવ ટેરિફ પણ હાલની 100%થી ઘટાડીને 10% કરશે. અન્ય બ્રિટિશ માલ કે જેના પર ઓછા ટેરિફ લાગશે તેમાં કોસ્મેટિક્સ, એરોસ્પેસ, લેમ્બ, મેડિકલ ડિવાઇસ, સૅલ્મોન, ઇલેક્ટ્રિકલ મશીનરી, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને બિસ્કિટનો સમાવેશ થાય છે

માલદીવની મુલાકાત
યુકેની બે દિવસની મુલાકાત પછી મોદી પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુના આમંત્રણ પર માલદીવની યાત્રા કરશે.મોદી માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા સમારોહમાં જોડાશે.

માલદીવની મુલાકાત અંગે મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષે આપણા બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ પણ છે. હું પ્રેસિડન્ટ મુઇઝુ અને અન્ય રાજકીય નેતૃત્વ સાથેની મારી મુલાકાતોની રાહ જોઉં છું, જેથી વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના આપણા સંયુક્ત વિઝનને આગળ વધારી શકાય અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે આપણા સહયોગને મજબૂત બનાવી શકાય.

વડાપ્રધાનની 25થી 26 જુલાઈ સુધીની માલદીવની મુલાકાત પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે જે નવેમ્બર 2023 માં ચીન તરફી વલણ માટે જાણીતા મોહમ્મદ મુઇઝુના પ્રેસિડન્ટ બન્યા પછી ગંભીર તણાવ હેઠળ આવી ગયા હતાં.

 

LEAVE A REPLY