અમેરિકન પ્રેસિડન્ટ જો બાઈડને H-1B વિઝાધારકોના H-4 વિઝાધારક જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી આપી દીધી છે. બાઈડને વ્હાઈટ હાઉસનું સુકાન સંભાળ્યાના સાતમા દિવસે જ બાઇડને અગાઉની ટ્રમ્પ સરકારના આ નિયમને પાછો ખેંચી લેવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયથી અમેરિકામાં વસતા મૂળ ભારતીય આઈટી પ્રોફેશનલોને મોટી રાહત મળશે. અમેરિકામાં આઈટી ક્ષેત્રે કામ કરતા H-1B વિઝાધારક ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ H-1B વિઝા હોલ્ડર્સના નજીકના ફેમિલી મેમ્બર (જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો)ને H-4 વિઝા આપે છે. આ પહેલા પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં H-1B કર્મચારીઓના જીવનસાથીઓમાં એ વાતને લઈને શંકા હતી કે, અમેરિકામાં ચાર વર્ષ વીતાવ્યા પછી તેમને કામ કરવાની મંજૂરી મળશે કે નહીં. જોકે, હવે બાઈડન એડમિનિસ્ટ્રેશનની જાહેરાતથી આ આશંકા પર પૂર્ણવિરામ લાગી ગયું છે.