હાર્દિક પટેલ (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે બુધવારે (13 એપ્રિલ)એ જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરીને પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસમાં પોતાની અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારા હાલત નવા વરરાજા જેવી છે તેની પરાણે નસબંધી થઈ છે.

કોંગ્રેસના રાજ્ય એકમની “કાર્યશૈલી” પર નારાજગી વ્યક્ત કરતા, હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે નેતૃત્વ તેમની કુશળતાનો ઉપયોગ કરવા તૈયાર નથી. રસપ્રદ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર અનામત આંદોલન સમયને એક કેસમાં હાર્દિક પટેલની સજા પર સ્ટે લગાવ્યા પછી તેમણે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો અને હવે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

પત્રકારો સાથે વાતચી કરતાં હાર્દિક પટેલે પાટીદાર નેતા નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવામાં “વિલંબ” અંગે કોંગ્રેસ નેતૃત્વને સવાલ કર્યો હતો. ”નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે જે પ્રકારની વાતો ચાલી રહી છે તે સમગ્ર સમુદાય માટે અપમાનજનક છે. હવે બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી કોઈ નિર્ણય કેમ લેવામાં આવ્યો નથી? કોંગ્રેસ હાઈકમાન્ડ અથવા સ્થાનિક નેતૃત્વએ ઝડપથી નિર્ણય લેવો જોઈએ.”

હાર્દિકે દાવો કર્યો હતો કે પાટીદાર ક્વોટા આંદોલને 2015માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસને નોંધપાત્ર સંખ્યામાં બેઠકો જીતવામાં મદદ કરી હતી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે વિપક્ષે 182 સભ્યોના ગૃહમાં 77 બેઠકો જીતી હતી. જે ખૂબ જ અણધાર્યું સારું પ્રદર્શન હતું. ‘પણ એ પછી શું થયું? કોંગ્રેસમાં પણ ઘણાને એવું પણ લાગે છે કે 2019 પછી પાર્ટી દ્વારા હાર્દિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી. તે એટલા માટે હોઈ શકે છે કારણ કે પાર્ટીમાં કેટલાક લોકો એવું વિચારે છે કે જો મને આજે મહત્વ આપવામાં આવશે તો હું 5-10 વર્ષ પછી તેમની વૃદ્ધિને અવરોધીશ.”