યુકેના સૌથી સફળ ફ્રેન્ચાઇઝી સાહસિકોમાંના એક બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ અતુલ પાઠક, OBEએ સમગ્ર લંડન અને બર્કશાયરમાં પથરાયેલો પોતાનો મેકડોનાલ્ડ્સનો ફ્રેન્ચાઇઝી બિઝનેસ વેચ્યો હોવાની સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી છે.

અતુલ પાઠક લગભગ 20 વર્ષથી પોતાની કંપની એપ્ટ કોર્પોરેશન દ્વારા 43 મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ દ્વારા 3,500થી વધુ સ્ટાફને રોજગારી આપે છે. તેમણે પ્રથમ મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી 2003માં ખોલી હતી.

અતુલ પાઠકે લિંક્ડઇન પર જણાવ્યું હતું કે “મેકડોનાલ્ડ્સ સાથે લગભગ 20 વર્ષના જોડાણ પછી, મેં મારો બિઝનેસ વેચીને આગળ વધવાનું નક્કી કર્યું છે. એકમાંથી 43 રેસ્ટોરન્ટ સુધી આગળ વધીને યુકેમાં મેકડોનાલ્ડ્સની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી બનવું અને વિશ્વની સૌથી આઇકોનિક બ્રાન્ડ્સમાંની એક સાથે સંકળાયેલા રહેવાની સફર શાનદાર રહી છે. છેલ્લા 20 વર્ષમાં મેં જે હાંસલ કર્યું છે તેના પર મને અતિ ગર્વ છે, પરંતુ હવે આગળ વધવાનો સમય છે. હું આગામી પડકાર માટે તૈયાર છું.”

પોતાની “વિવિધ” ટીમનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે “તેમની સખત મહેનત અને સમર્પણ વિના, અમે બિઝનેસ જે ઊંચાઈએ પહોંચ્યો છે ત્યાં સુધી પહોંચી શક્યા ન હોત. હું તેમની વફાદારી અને સમર્થન માટે હંમેશ માટે આભારી રહીશ. હું વિવિધ સમુદાયોનો પણ આભાર માનું છું જ્યાં મારી રેસ્ટોરન્ટ્સ આવેલી હતી. હું આશા રાખું છું કે તે સમુદાયો ઘણા વર્ષો સુધી વધતા અને ખીલતા રહેશે.”

પાઠકનો જન્મ ભારતમાં થયો હતો. તેમના પિતા કોલસાની ખાણમાં કામ કરતા હતા અને માતા શિક્ષક હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે તેમણે પોતાની ભણવાની ફી ચૂકવવા રેસ્ટોરન્ટ્સમાં કામ કર્યું હતું. તેમણે અર્થશાસ્ત્ર, અંગ્રેજી અને ભૂગોળનો અભ્યાસ કર્યો હતો અને 1984માં યુકે આવ્યા હતા.

પાઠકે જણાવ્યું હતું કે, “એજ્યુકેશન બિઝનેસ પાર્ટનરશીપ સાથેના અમારા સારા સંબંધોને પગલે અમે ઇલિંગ અને અન્ય સ્થળોએ સંખ્યાબંધ શાળાઓમાં કરિયર ક્લસ્ટર પ્રોજેક્ટને સમર્થન આપવા સક્ષમ હતા.”

2015માં, અતુલ પાઠકને મહારાણીના જન્મદિવસે ઉદ્યોગસાહસિકતાની સેવા માટે OBE એનાયત કરાયો હતો. 2017માં, તેમને વિમેન ઇકોનોમિક ફોરમ દ્વારા બધા માટે શ્રેષ્ઠ વિશ્વ બનાવવા બદલ દાયકાના નેતાઓમાંના એક તરીકે સન્માન આપવામાં આવ્યું હતું.

તેમણે છેલ્લા 10 વર્ષોમાં યુકેમાં વિવિધ ચેરિટી માટે £1 મિલિયનથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે અને દાન કર્યું છે. તેમના વાર્ષિક પ્રોજેક્ટ, હાઉસ ઓફ કોમન્સ ખાતે અતુલ પાઠક કોમ્યુનિટી એવોર્ડ્સ દ્વારા 40 થી વધુ લોકોને સન્માન આપવામાં આવ્યું હતું.