કાર્ડિફના સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનીટી સેન્ટરના ટ્રસ્ટી અને 1984થી સ્થાપક સભ્ય હરિલાલ પટેલને નવા વર્ષના ઓનર્સ લિસ્ટમાં કાર્ડિફમાં સર્વિસિસ ટુ કમ્યુનિટી કોહેશન માટે બ્રિટિશ એમ્પાયર મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

કાર્ડીફમાં અદના સ્વયંસેવક તરીકે શરૂઆત કરનાર હરીલાલે 1986માં મંદિર અને કોમ્યુનિટી સેન્ટર માટે “28 ધ પરેડ”નું બિલ્ડિંગ અને 2011માં હાલનું “સીવ્યુ બિલ્ડિંગ્સ” ખરીદવામાં મુખ્ય ફાળો આપ્યો હતો.

વેલ્શના સમુદાયમાં સંસ્થાની રૂપરેખા ઉભી કરનાર હરીભાઇ હંમેશા યુવાનો, વૃદ્ધો અને અપંગોના પ્રશ્નો સાંભળી મદદ કરવા તત્પર રહેતા. સમુદાયોમાં સમાનતા, વિવિધતા, સહનશીલતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે તે મહાન હિમાયતી છે.

યુગાન્ડામાં જન્મેલા હરિલાલે 3 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા બાદ 12 વર્ષની ઉંમરે શાળામાં અભ્યાસની સાથે પરિવારનું ગુજરાન ચલાવવું પડ્યું હતું. તેઓ 1970માં લગ્ન કરી એક પણ પેની વગર 1972માં યુકે આવ્યા હતા. કાર્ડિફમાં પેટ્રોલ સ્ટેશનમાં કામ કર્યું હતું અને આખરે કેટલીક સાઇટ્સનું સંચાલન કરી માલિકી પણ મેળવી હતી. તેમણે ડ્રગ એડિક્ટ્સ અને ભૂતપૂર્વ અપરાધીઓ સહિતના તમામ પૃષ્ઠભૂમિના સ્ટાફને વધુ સારૂ જીવન આપવા અને બદલવા નોકરી પર રાખ્યા હતા. ઉભરતા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન પૂરું પાડતા અને બીપી રિટેલર્સ ક્લબના અધ્યક્ષ હતા.

હરિલાલ કેટલીક અન્ય સખાવતી સંસ્થાઓ સાથે ભંડોળ ઉભું કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

કોવિડ-19 દરમિયાન, હરિલાલ નબળા લોકોની જરૂરીયાતો પૂરી કરતા લોકોને જરૂરીયાત વિષે ફોન કરીને કાળજી લેતા હતા. તેમણે મૃતકોના પરિવારજનોને ભાવનાત્મક સહાય આપી અંતિમ સંસ્કાર માટે મદદ કરી હતી તો ફસાયેલા વિદેશી વિદ્યાર્થીઓને પણ ટેકો આપ્યો છે. તેમણે સંસ્થાની મોટાભાગની ઇવેન્ટ્સને ઑનલાઇન કરતાં ઘરમા એકલા રહેતા લોકો માટે તે અમૂલ્ય સાબિત થઈ છે. 1972માં હરિલાલ યુગાન્ડામાં હતા ત્યારે મીત્રો અને સમુદાયના લોકોને યુકે આવવા માટે કાયદેસરની વિધી કરવા સાથે સેવાની શરૂઆત કરી હતી.

હરિલાલ કહે છે કે ‘સફળતા ક્યારેય વન મેન શો નથી હોતી, પડદા પાછળ ઘણા લોકોના પ્રયત્નો અને બલિદાન હોય છે. હું ખાસ કરીને હું મારી સ્વર્ગીય માતા સહિત સૌનો ટેકો આપવા બદલ આભારી છું.’’