હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો કોરોનાગ્રસ્ત થયાનું બહાર આવતા તેને હવે પ્રતીકાત્મક રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને કારણે અનેક અખાડાઓએ અગાઉથી જ કુંભમાંથી પરત આવવાની જાહેરાત કરી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે શનિવારે ફોન પર વાત કરી. તમામ સંતોના આરોગ્યની સ્થિતિ જાણી. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારનો સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર માન્યો. મેં પ્રાર્થના કરી છે કે, બે શાહી સ્નાન થઈ ચુક્યા છે અને હવે કોરોનાના સંકટને પગલે કુંભને પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટ સામેની લડાઈને એક શક્તિ મળશે.
વડાપ્રધાન મોદીના નિવેદન મામલે મહામંડલેશ્વર અવધેશાનંદગિરિએ જણાવ્યું કે, ‘અમે માનનીય વડાપ્રધાનજીના અનુરોધનું સન્માન કરીએ છીએ. પોતાની અને અન્ય જીવોની રક્ષા મહત્વનું પૂણ્ય છે. ધર્મપરાયણ જનતાને હું વિનંતી કરૂ છું કે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિદ્વારમાં ખાતે ચાલી રહેલા કુંભ મેળાનું 27 એપ્રિલના રોજ સમાપન થવાનું છે. આ બધા વચ્ચે બે અખાડાઓએ કુંભ મેળામાં પોતાની છાવણીઓ બંધ કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે. પંચાયતી શ્રીનિરંજની અખાડા અને તપો નિધિ શ્રી આનંદ અખાડાએ કોરોનાની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.