કોરોનાકાળમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનું આયોજન થયું છે. પાંચમા તબક્કાના મતદાનમાં 45 વિધાનસભા મત વિસ્તારો સવારથી જ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્ના છે.
આ મતદાન દરમિયાન સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે મિનાખાના ખાતે બૂથ નંબર 114 પર બોંબ વિસ્ફોટ થયો હોવાનો દાવો કર્યો છે. ટીએમસીએ ફોટો શેર કરીને આઈએસએફ કેડર પર બોંબમારાનો આરોપ મુક્યો છે અને તેમના બે કાર્યકરો ઘાયલ થયા હોવાનું જણાવ્યું છે. આ તરફ વર્ધમાન ખાતે ભાજપે ટીએમસી પર પોતાના એજન્ટ સાથે મારામારીનો આક્ષેપ મુક્યો છે.
ટીએમસીએ પોતાના કાર્યકરો પર હુમલાની અને તેમને મતદાન કરતા રોકવામાં આવતા હોવાની ફરિયાદ કરી છે. વર્ધમાન ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ ભારે પથ્થરમારો કર્યો હતો અને એકબીજા પર ગેરરીતિનો આરોપ મુક્યો હતો.
મતદાનના સમય દરમિયાન બૂથના 200 મીટરના ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
પાંચમા તબક્કાના મદતદાનમાં 45 વિધાનસભા બેઠકો માટે કુલ 342 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ બેઠકો ઉત્તર 24 પરગણા, પૂર્વ વર્ધમાન, નાદિયા, જલપાઈગુડી, દાર્જિલિંગ અને કાલિમ્પોંગ જેવા જિલ્લાઓની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરીને પશ્ચિમ બંગાળના મતદારોને ભારે સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી.
કોરોનાની સ્થિતિમાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નવા કડક આદેશો જાહેર કર્યા છે. જે મુજબ કોઈ પણ રાજકીય પક્ષ સાંજે 7:00 કલાક પછી બંગાળમાં રેલી કે પ્રચાર નહીં કરી શકે. એટલું જ નહીં, હવેથી મતદાનના 72 કલાક પહેલા જ ચૂંટણી પ્રચાર પૂરો કરવો પડશે. અગાઉ આ સમય મર્યાદા 48 કલાકની હતી.
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 135 ક્ષેત્રની ચૂંટણી થઈ ચુકી છે અને બાકીની 159 બેઠકો પર 17થી 29 એપ્રિલ દરમિયાન 4 તબક્કામાં મતદાન થશે. શનિવારે પશ્ચિમ બંગાળ ઉપરાંત 6 રાજ્યોમાં પણ સામાન્ય અને પેટાચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે.