વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 27 સપ્ટેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું છે. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 27 સપ્ટેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ દેશના લોકોને ડિજિટલ હેલ્થ આઇડી આપવામાં આવશે, જેમાં તેમનો હેલ્થરેકોર્ડ હશે. મોદીએ જણાવ્યું હતું કે આ અભિયાનથી દેશના હેલ્થકેરમાં ક્રાંતિકારી ફેરફાર આવશે.

વડાપ્રધાને 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલમાં આ ડિજિટલ અભિયાન છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રારંભિક તબક્કામાં છે.નરેન્દ્ર મોદીએ સોમવારે ​​પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)નો પ્રારંભ કર્યો હતો. આ મુખ્ય યોજનાનો હેતુ સમગ્ર દેશમાં હેલ્થકેરને ડિજિટલાઇઝ કરવાનો છે. આમાં, દરેક ભારતીય નાગરિક માટે એક યુનિક હેલ્થ આઈડી બનાવવામાં આવશે. જેનાથી દેશવ્યાપી ડિજિટલ હેલ્થ ઇકો-સિસ્ટમ બનાવવામાં આવશે.

મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે આ મિશન દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સારવારમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પ્રસંગે પંડિતજીને સમર્પિત આયુષ્માન ભારત યોજના સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી હતી. હું ખુશ છું કે આજથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ દેશભરમાં શરૂ થયું છે.