સ્વાસ્થ્ય કર્મચારીઓ પર થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વટહુકમ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓને હિંસા કરવાના મામલામાં જો કોઈ દોષિત કરાર થશે તો તેમને હુમલો કરનારા લોકોને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમજ 50 હજારથી બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવાનો રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વટહુકમ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

EDE 1897માં એમેન્ડમેન્ટને કેબિનેટે માન્ય ગણાવ્યો છે. સ્વાસ્ત્ય કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસાએ બીનજામીનપાત્ર ગુનો છે. આ અંતર્ગત છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા, તેમજ 50 હજારથી બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. નોંધનીય છે કે કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં અગ્રિમ મોરચા પર લડી રહેલા સ્વાસ્થ્ય અધિકારીઓ પર દેશના વિવિધ વિસ્તારોમાંથી હુમલો થતો હોવાની જાણકારી મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આજે બુધવારના રોજ એક મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્વાસ્થ્ય કર્મચારીઓ પર ગંભીર હુમલો કરનારા દોષિતોને છ મહિનાથી સાત વર્ષ સુધીની સજા અને એક લાખથી પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને નુકશાન પહોંચાડનારા લોકોને નુકશાનની બમણી કિંમત ભરપાઈ કરવાની રહેશે. તેમણે કહ્યું કે દેશને મહામારીના સંકટમાંથી બચાવવા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર કામ કરી રહ્યા છે. તેમના પર થઈ રહેલા હુમલાઓને ખૂબ જ વખોડવાલાયક ઘટના કહી શકાય. સ્વાસ્થ્ય કર્મચારીઓ પર જે હિંસા કરવામાં આવશે તો તે જરા પણ સાંખી લેવામાં નહીં આવે.