બોલીવૂડની ગુજરાતી અભિનેત્રી-મોડેલ શેફાલી જરીવાલનું ગત મહિને 42 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નિધન થયું. શેફાલી જાણીતા રીયાલિટી શો- બિગબોસની સીઝન 13માં જોવા મળી હતી. જોકે, તે તેના ‘કાંટા લગા’ ગીતથી ખૂબ જાણીતી બની હતી. શેફાલીના અચાનક અવસાનથી તેના પરિવારજનોની સાથે સાથે બોલીવૂડ અને તેના ચાહકો પણ આઘાતમાં છે.
શેફાલીના અવસાનના કારણે વિવાદાસ્પદ શો- બિગબોસ પણ ચર્ચામાં આવ્યો છે. આ શોના અન્ય ચાર સ્પર્ધકો પણ અગાઉ અકાળે મૃત્યુ પામ્યા હતા તેવું તેના દર્શકો કહી રહ્યા છે. આ સ્થિતિમાં બિગ બોસ હાઉસને અપશુકનિયાળ કહેવામાં આવી રહ્યું છે. પંજાબી અભિનેત્રી હિમાંશી ખુરાનાએ બિગ બોસને શાપિત ગણાવ્યું છે. હિમાંશી ખુરાના અને શેફાલી જરીવાલા વચ્ચે ખાસ મિત્રતા હતી અને બંને બિગ બોસ 13નો ભાગ હતી. અહીં બિગબોસના એવા સ્પર્ધકો વિશે જણાવવામાં આવ્યું છે જેમનું અકાળ નિધન થયું હતું.
સિદ્ધાર્થ શુક્લ
‘બાલિકા વધૂ’ ધારાવાહિકનો જાણીતો ચહેરો સિદ્ધાર્થ શુક્લ બિગ બોસ 13નો વિજેતા હતો. આ સીઝનમાં શેફાલી જરીવાલા પણ તેની સાથે હતી. સિદ્ધાર્થનું નિધન 2 સપ્ટેમ્બર 2021ના રોજ થયું હતું. ત્યારે તેની ઉંમર 40 વર્ષની હતી અને તેનું મોત પણ હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. બિગ બોસમાં વિજેતા થયા પછી સિદ્ધાર્થ વધુ લોકપ્રિય થયો હતો. પરંતુ તેનું અચાનક અવસાનથી તેના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો.
પ્રત્યુષા બેનરજી
‘બાલિકા વધૂ’ સીરિયલની અભિનેત્રી આનંદી- પ્રત્યુષા બેનરજીના અકાળે મોતથી ટેલીવૂડ સાથે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. પ્રત્યુષા બિગ બોસ 7ની સ્પર્ધક હતી અને એક એપ્રિલ 2016માં તેનું નિધન થયું હતું. ત્યારે તે માત્ર 24 વર્ષની હતી. તેણે આત્મહત્યા કરી લીધી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, ડિપ્રેશનમાં તેણે મોતને વહાલું કર્યું હતું. તેના મોત પછી મનોરંજન ઉદ્યોગમાં માનસિક આરોગ્ય અંગે ભારે ચર્ચા થઇ હતી.
સોનાલી ફોગાટ
સોનાલી ફોગાટ બિગ બોસ 14ની સ્પર્ધક હતી. સોનાલી ભારતીય જનતા પાર્ટીની સભ્ય પણ હતી. તે ભાજપના મહિલા મોર્ચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતી. સોનાલીનું નિધન ગોવામાં 42 વર્ષની ઉંમરે 22 ઓગસ્ટ 2022ના રોજ થયું હતું. તેના મોતનું કારણ પણ હૃદયરોગનો હુમલો જ હતું.
સ્વામી ઓમ
બિગ બોસની સીઝન 10ના સ્પર્ધક સ્વામી ઓમ વિવાદોમાં રહેનારા વ્યક્તિ હતા. તે પોતાની વિચિત્ર વર્તનના કારણે ચર્ચામાં રહેતા હતા. તેમનું નિધન 3 ફેબ્રુઆરી 2021ના રોજ 63 વર્ષની ઉંમરે થયું હતું. શૉમાંથી બહાર થયા પછી તેની તબિયત લથડી હતી. તે કોરોના સંક્રમિત થઈ ગયા હતા અને તેને લકવો થઈ ગયો હતો.
