(istockphoto.com)

ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના કડક પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે, એમ સરદાર સરોવર નર્મદા નિગમે જણાવ્યું હતું. આ પહેલાં કેવડિયા ખાતેના જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, એકતા મોલ વગેરે સ્થળોને પ્રવાસી માટે ખોલવામાં આવ્યા હતા.

કોરોના મહામારીને કારણે 2500 પ્રવાસીની મર્યાદામાં પ્રવેશ મળશે. આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જનારા પ્રવાસીઓને માત્ર ઓનલાઈન ટિકિટ મળશે. પ્રવાસીઓને ટિકિટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકિટિંગ વેબસાઈટ www.soutickets.in પરથી મળી શકશે. જે પ્રવાસીઓએ 2 કલાકના સ્લોટની ટિકિટ ખરીદી હોય તેને જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.