પહાડી રાજ્ય હિમાચલમાં બુધવારે ભેખડો ધસી પડતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 40 જેટલાના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. (PTI Photo)

પહાડી રાજ્ય હિમાચલમાં બુધવારે ભેખડો ધસી પડતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 40 જેટલાના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના કિન્નૌર જિલ્લાના રેકોંગ પીઓ-શિમલા હાઈવે પર બપોરે 12.45 કલાકની આસપાસ બની હતી. જેમાં એક બસ પણ દટાઈ ગઈ છે, જેમાં 40થી વધુ લોકો સવાર હતાં. ભેખડો હેઠળ દટાયેલા કેટલાક નાના વાહનોમાંથી છ લોકોને બચાવવામાં આવ્યા છે. હજુ સુધી હેવી મશીનરી ના આવી હોવાથી રેસ્ક્યુ ઓપરેશનને પૂરજોશમાં શરુ નથી કરી શકાયું.

કિન્નૌર જિલ્લના એસપી સંજુ રામ રાણાના જણાવ્યા અનુસાર, ભાબાનગર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. હાલ પોલીસ ઉપરાંત, ITBP, હોમ ગાર્ડ્સ અને રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

દુર્ઘટનાની જે તસવીરો સામે આવી રહી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હાઈવે પર પડેલા મહાકાય પથ્થરો અને માટીની નીચે કેટલાક વાહનો દટાઈ ગયા છે. રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરના જણાવ્યા અનુસાર, એક બસ અને કાર આ ઘટનામાં દબાઈ ગયા છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર રેસક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. NDRFને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. ઘટનાની વધુ વિગતો હજુ મેળવાઈ રહી છે.