(Photo by STR/AFP via Getty Images)

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ગુરુવારે એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે જે પ્રકારે જન્મદર જોવા મળી રહ્યો છે તે જોતા 2028 સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મ દર એક સરખો થઈ જશે.

દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે લોકો કહે છે કે મુસ્લિમો ચાર-ચાર પત્નીઓ સાથે પરણીને ડઝનબંધ બાળકો પેદા કરે છે અને દેશમાં આગામી 10 થી 12 વર્ષમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે. આવા લોકોને મારી સાથે ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર છે.

એક સરવેને ટાંકીને તેમણે દાવો કર્યો હતો કે એક સરવે પ્રમાણે દેશમાં હિન્દુઓની સરખામણીમાં મુસ્લિમોનો જન્મદર ઘટી રહ્યો છે. 1951થી આજ સુધી મુસ્લિમોના જન્મદરમાં જે ઝડપથી ઘટાડો થયો છે, તેટલી ઝડપથી હિન્દુઓના જન્મદરમાં ઘટાડો થયો નથી. આજે મુસ્લિમોનો જન્મદર 2.7 અને હિન્દુઓને 2.3 છે. આ જોતા લાગે છે કે, 2028 સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશે અને દેશની વસતી વૃધ્ધિ સ્થિર થઈ જશે.